ઉત્તરાયણની મજા, સજા ન બને તે માટે આટલી સાવચેતી રાખજો !

વાલીઓએ ખાસ વાંચવું

ઉત્તરાયણની મજા, સજા ન બને તે માટે આટલી સાવચેતી રાખજો !

Mysamachar.in-જામનગરઃ

જીવનમાં તહેવારોનું આગવું મહત્વ છે, સામાજીક પ્રાણી એવા માણસના જીવનમા સુખ અને દુઃખ આવતા રહે છે, દુઃખમાંથી શાંતિ મેળવવા તથા દુઃખને ભૂલી ઉજવણી કરવા માટે તહેવારોનો સિંહફાળો છે. આવો જ એક તહેવાર એટલે ઉત્તરાયણ, બાળકોથી લઇને મોટેરાઓ તમામ લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરતાં હોય છે. જો કે ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવતી વખતે કેટલીક કાળજી રાખવી ફરજિયાત છે, નહીં તો મજા, સજામાં પલટાઇ શકે છે. પતંગ ચગાવવા માટે ધાબાઓનો વધુ ઉપયોગ થશે, એવામાં વાલીઓએ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

શું કાળજી રાખવી ?

છેલ્લા કેટલાક સમયથી પતંગની દોરી વધુ ઘાતક બની રહી છે, દોરીમાં રંગ લગાવવા દરમિયાન તેમાં કાંચ ઉમેરવામાં આવે છે જેના કારણે આ દોરી વધુ ધારની બને છે. આવી દોરીથી પતંગ ચગાવતા પહેલા હાથમાં મેડિકેટેડ ટેપ અથવા ચપટી લગાવી લેવી જોઇએ. સૌથી ખાસ પતંગ ચગાવતી વખતે વાલીઓએ બાળકોની સાથે રહેવું જોઇએ. ખાસ કરીને એવી છત પર પતંગ ન ચગાવવી જ્યાં ચારે બાજુ દિવાલ ન હોય. તો રસ્તા પર પતંગ ચગાવવી ન જોઇએ, કપાયેલા પતંગને પકડવાનો પ્રયાસ બને ત્યાં સુધી ન કરવો, પ્રાથમિક સારવાર કિટ સાથે રાખવી. ગોગલ્સ અને કેપ પહેરી રાખવી જોઇએ. આસપાસ કોઇ ઇલેક્ટ્રીક વાયર પસાર થતો હોય તો તેની નજીક પતંગ ચગાવવું ન જોઇએ, અથવા વાયરમાં અટવાયેલી પતંગ લેવાનો પ્રયાસ પણ ન કરવો, ઉત્તરાયણમાં ઇલેક્ટ્રીક વાયરને અડી જવાની મૃત્યુના અનેક બનાવો બની ચૂક્યા છે. જો સાવધાની પૂર્વક તહેવારની ઉજવણી કરવામાં આવે તો ઉત્સાહમાં ચાર ગણો વધારો થાય છે, પરંતુ થોડી ઘણી નજરચૂકના કારણે હાથ-પગ ગુમાવવાથી જીવનભર ઉત્તરાયણ ન કરવાનો અફસોસ થઇ શકે છે.