માત્ર 7 પાસ આ મહિલા વર્ષે કરે છે રૂપિયા 70 લાખની કમાણી

રાજ્યની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ મહિલા

માત્ર 7 પાસ આ મહિલા વર્ષે કરે છે રૂપિયા 70 લાખની કમાણી

Mysamachar.in-બનાસકાંઠાઃ

મનુષ્ય જીવનમાં શિક્ષણ ખૂબ જરૂરી છે, શિક્ષણ થકી માનવી પોતાનું જીવન ધોરણ સુધારવાની સાથે આર્થિક પગભર થઇ શકે છે. જો કે સમાજમાં કેટલાક એવા પણ લોકો છે જેઓ કોઠાસૂજથી સારી એવી આવક મેળવી રહ્યાં છે. પાલનપુરના સાગ્રોસણા ગામના માત્ર ધોરણ 7 પાસ ગંગાબેન લોહ નામની મહિલા પશુપાલનથી વર્ષે 70 લાખની કમાણી કરે છે. ગંગાબેને વર્ષ 1998માં બે ગાયથી દૂધની ડેરીના વ્યવસાયની શરૂઆત કરી હતી, આજે તેઓ 122 ગાય-ભેંસ દ્વારા પશુપાલન કરી રાજ્યભરમાં નામના મેળવી રહ્યાં છે.

આ અંગે 48 વર્ષિય ગંગાબેનનું કહેવું છે કે 2 ગાયથી શરૂઆત કરી હતી, આજે તેમને ત્યાં 122 ગાય-ભેંસ છે, જેમાંથી 60 જેટલા દૂધાળા પશુઓ છે. આ 60 પશુઓ રોજનું 650થી વધુ લીટર દૂધ આપે છે. ગંગાબેન આ દૂધ ડેરીમાં ભરે છે. જેની મદદથી દર મહિના 5.50થી 6 લાખ સુધીની આવક થાય છે. ગત વર્ષ એટલે કે 2018-19માં ગંગાબેને 2.58 લાખ લીટર દૂધ ડેરીમાં ભર્યું હતું. જેની કિંમત રૂપિયા 70,80,920 થાય છે. આટલા પ્રમાણમાં દૂધ ભરનારા ગંગાબેને જિલ્લામાં બીજો ક્રમ મેળવ્યો હતો. જેમાં 60 થી 70 ટકા ખર્ચ કાઢતા 25 લાખ જેટલો નફો મળી જાય છે. ગંગાબહેનનું કહેવું છે કે પશુઓ વધારે હોવાથી પહોંચી વળતું ન હતું, જો કે ટેકનોલોજીનો સહારો લઇ ગાયોને દોહવા માટે મિલ્કીંગ મશીન પાર્લરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગંગાબહેનની આ સફળતાથી રાજ્યની અન્ય મહિલાઓને પ્રેરણા મળી શકે તેમ છે.