જોડિયામાં રેતીની બેફામ ખનીજ ચોરી સામે માત્ર ૪ ટ્રેક્ટર ઝડપાયા

રોજની લાખોની રેતીચોરી

જોડિયામાં રેતીની બેફામ ખનીજ ચોરી સામે માત્ર ૪ ટ્રેક્ટર ઝડપાયા
ફાઈલ તસ્વીર

mysamachar.in-જામનગર

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખનીજમાફિયાઓ બેખૌફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે.. જામનગર જીલ્લાના અંતરિયાળ ગામો અને ખાસ કરીને ધ્રોલ અને જોડિયા વિસ્તારમાં નદી અને ડેમોના પટમાં થી રેતીચોરીના ચાલી રહેલા સરાજાહેર અને મસમોટા નેટવર્કથી તંત્ર અજાણ છે કે પછી અજાણ બનવાનું નાટક કરી રહ્યું છે તે પ્રશ્ન સ્થાનિક લોકોમાં ઊઠવા પામ્યો છે..બેફામ દોડી રહેલા ડમ્પરોની અનેક ફરિયાદો વચ્ચે સ્થાનિક તંત્રની ભૂમિકા પણ શંકા ઉપજાવનારી છે...

જામનગર જીલ્લામાં જોડિયા તાલુકો રેતીની ખનીજ ચોરી માટે કુખ્યાત બનતો જતો હોય તેમ ખનીજ માફિયા તત્વો માટે જોડિયા તાલુકો સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે,તેવામાં જોડિયા તાલુકામાં ચાલતી રેતીની ખનીજ ચોરીનું કૌભાંડ એલ.સી.બી.એ ઝડપી પાડ્યું છે,

આમ જોઈએ તો જોડિયા તાલુકામાં તંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ રેતીની ખનીજ ચોરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે,ત્યારે જામનગર એલ.સી.બી.ના ધ્યાને જોડિયા તાલુકાનાં ડોબાર સીમ વિસ્તારમાં ઉંડ નદીના પટમાં લીઝ અને રોયલ્ટી ભર્યા વગર રેતીની ખનીજ ચોરી કરતાં ૧૨ ટન રેતી ભરેલા ૪ ટ્રેક્ટરોને ઝડપી લઈને જપ્ત કરીને આર.ટી.ઓ અને ખાણ ખનીજ વિભાગને વધુ કાર્યવાહી હાથ ધરવા જાણ કરવામાં આવી છે,

જોડિયા તાલુકામાં ખાસ કરીને ઉંડ નદી,હડિયાણા પાસે,લીંબુડા,લખતર,બાલંભા પાસે તેમજ દરિયાકાંઠા નજીક મોટા પ્રમાણમાં રેતીનો કુદરતી જથ્થો આવેલો છે,આ સ્થળોથી ખનીજ માફિયા તત્વો ખુલ્લેઆમ રેતીની ખનીજ ચોરી કરવા હોવાનું વારંવાર ફરિયાદ ઉઠેલ છે,અને આ મામલે ઉપવાસ આંદોલન,કલેક્ટરને રજૂઆત પણ ઘણી વખત થવા પામી છે ત્યારે સ્થાનિક તંત્રની શંકાસ્પદ નિષ્ક્રિયતા સામે જામનગરથી એલ.સી.બીને રેતી ચોરી પકડવા ધક્કો ખાવો પડે તે સવાલ માંગી લેતો મુદ્દો બન્યો છે. 

ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ..
આધારભૂત સુત્રો જણાવે છે કે ધ્રોલ અને જોડિયા આસપાસ થઇ રહેલ રેતીચોરીના નેટવર્કમાં આ જ વિસ્તારના કોંગી અને ભાજપ અગ્રણીની પણ સાંઠગાઠ હોવાથી આ નેટવર્ક સારી રીતે ચાલી રહ્યું છે...દિવસની હજારો ટન રેતીચોરી આ અગ્રણીઓની ઓથ નીચે થઇ રહી છે..એવામાં બોલે કોણ..એ જ સૌથી મોટો છે.