હાલારમાં પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતએ જીવ દીધો..!

૩ દિવસમાં ૨ બનાવ

હાલારમાં પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતએ જીવ દીધો..!

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હાલારમાં આ વર્ષ કાઢવુ ખેડૂતો માટે કપરુ સાબિત થઈ રહ્યું છે, જામજોધપુરના ખેડૂતના આપઘાતના બનાવની હજુ ગમગીની છવાઈ છે, ત્યાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના ખેડૂતએ પાક નિષ્ફળ જવાથી આપઘાત કરી લીધાનો વધુ એક બનાવ સામે આવ્યો છે,

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનાં નગડીયા ગામે રહેતા મેરામણભાઈ લીલાભાઈ સીડા નામના મેર ખેડૂતનો આ વર્ષે પાક નિષ્ફળ જવાથી આર્થિક મંદીમાં સપડાતા લાગી આવતા ઝેરી દવા પી જતા પોરબંદર સારવારમાં પહોંચે તે પહેલા જ રસ્તામાં મોત નીપજયું હતું, મેરામણભાઈનો પાક છેલ્લા બે વર્ષથી નિષ્ફળ જતો હતો, જેમાં આ વર્ષે અછતની સ્થિતિમાં પણ પાક નિષ્ફળ જવાથી ભારે આર્થિક મંદીમાં આવી જતાં ચિંતા થવા લાગી હતી, 

એકબાજુ પરિવારની જવાબદારી અને બીજીબાજુ ખેતી જ મુખ્ય આધાર હોય તેમાં પણ ઉપજ ન થતા આઘાત લાગ્યો હતો અને આત્મહત્યાનું અંતિમ પગલુ ભરી લેતા પરિવાર સહિત નગડીયા ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે, અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલ્યાણપુર તાલુકામાં આ વર્ષે અપૂરતો વરસાદ પડેલ હોવાથી સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલ છે અને નગડીયા ગામે આ અગાઉ ખુંટી વિરમભાઈ હાથિયાએ પણ આપઘાત કરી લીધા બાદ આ બીજો બનાવ બન્યો છે,

આ બનાવમાં હાલ પાક નિષ્ફળ જવાથી ખેડૂતએ આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે. ત્યારે ખેડૂતના આપઘાત પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.