મોંઘવારીનો વધુ એક વાર, હવે આ જરૂરી વસ્તુનો વધ્યો ભાવ

ડુંગળીએ રડાવ્યા હવે...

મોંઘવારીનો વધુ એક વાર, હવે આ જરૂરી વસ્તુનો વધ્યો ભાવ

Mysamachar.in-અમદાવાદઃ

ફરી એક વાર જનતા મોંઘવારીનો માર સહન કરવા તૈયાર થઇ જાય, ડુંગળી તો હાલ રડાવી રહી છે પરંતુ હવે દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા  દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ એક જાણીતી ગુજરાતી ન્યૂઝ વેબસાઇટ સાથે વાતચીતમાં જણાવ્યું કે બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતીકાલ રવિવારથી અમલી બનશે.

આ ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ, અમદાવાદમાં અમૂલ ગોલ્ડના 500 મી.લી.પાઉચનો નવો ભાવ રૂ. 28 થયો છે અને અમૂલ તાજા 500 મી.લી. પાઉચનો ભાવ રૂ. 22 થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલ સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80% નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે.