જી.જી.હોસ્પિટલના આ મુદ્દાઓને લઈને ભાજપના જ કોર્પોરેટરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

શું છે એ મુદાઓ જાણો...

જી.જી.હોસ્પિટલના આ મુદ્દાઓને લઈને ભાજપના જ કોર્પોરેટરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Mysamachar.in-જામનગર:

જામનગરની જી.જી.હોસ્પિટલ કોઈ ને કોઈ મુદ્દે ચર્ચાઓમાં રહેવા માટે જાણીતી છે, એવામાં ખુદ ભાજપના જ કોર્પોરેટરે મુખ્યમંત્રીને પત્ર લખીને હોસ્પિટલમાં કેવી લાલીયાવાડી ચાલે છે, તેનો વિસ્તૃત ચિતાર લખીને મોકલ્યો છે, ભાજપના વોર્ડ નંબર એક ના કોર્પોરેટર હુશેનાબેન અનવર સંઘાર દ્વારા હોસ્પિટલમાં રહેલી અવ્યવસ્થાઓ અને વહીવટદારોની બેદરકારી સહિતના મુદ્દાઓ છણાવટથી મુખ્યમંત્રીને પત્ર લખી પત્રમાં કેટલાક ચોંકાવનારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, 

જે પત્ર હુશેનાબેન સંઘાર દ્વારા લખવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલના વહીવટમાં બેદરકારીને કારણે સારવાર લેવા આવતા દર્દીઓ અને તેના પરિવારને ખુબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ટ્રાફિક નિયમનના ઓથા હેઠળ હોસ્પિટલના ગેટને એક બાદ એક આગોતરી જાણ વિના જ બંધ કરી દેવામાં આવતા બહારથી સારવાર લેવા આવનાર દર્દીઓ ભારે વિમાસણમાં મુકાઈ જાય છે, અને વ્યવસ્થાને બદલે અવ્યવસ્થા ઉભી થતી હોય તેમ લાગી રહ્યું છે,

વધુમાં હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડનો ઢગલો ભરતી તો કરવામાં આવી છે પણ તેની પાછળ નું કારણ જાહેર કરવા સાથે આટલા સિક્યુરિટી રાખ્યા બાદ પણ તેવો પોતાની ફરજ પર ઓછા અને આરામ વધુ ફરમાવતા હોવા સાથે આવનાર દર્દીઓ અને તેના સગાસબંધીઓને ડરાવી અને ધમકાવતા જોવા મળે છે, જે બાબત પણ યોગ્ય નથી.,તો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાત્રીના સમયે પોતાની ફરજ દરમિયાન અમુક સિક્યુરિટી ગાર્ડ નશાની હાલતમાં પણ હોય છે, અને જે દર્દીઓ અને તેના સબંધીઓ સાથે ગેરવર્તણૂક કરે છે,

હોસ્પિટલમાં લેબોરેટરી, દવાબારી, એક્સરે, સોનોગ્રાફી સહિતના વિભાગોમાં યોગ્ય સ્ટાફ અને મશીનરીના  અભાવે દર્દીઓને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવે છે, કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રેચર, વ્હીલચેર, બાટલાના સ્ટેન્ડ વગેરે વસાવ્યા બાદ જરૂર પડ્યે તે પણ દર્દીઓને મળતા નથી તે પણ કરુણતા છે, આમ જામનગરની જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે પણ તેમાં અનેક ખામીઓ છે તે દુર કરી યોગ્ય પગલા લેવા પણ રજૂઆત કરવામાં આવી છે.