દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા અન્ય જિલ્લાના મુસાફરોને કવોરોન્ટાઈન કરવા અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ

સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં દસ દિવસનો આ પીરીયડ પૂર્ણ થયા બાદ.....

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા અન્ય જિલ્લાના મુસાફરોને કવોરોન્ટાઈન કરવા અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:

હાલ કોરોના વાયરસનું સંક્રમણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખૂબ જ ઓછું છે. ત્યારે આ માટે તંત્ર દ્વારા પણ નોંધપાત્ર જહેમત ઉઠાવી, અને અન્ય જિલ્લાના લોકોથી ફેલાતું સંક્રમણ અટકાવવા માટે વિવિધ પ્રકારના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીણા દ્વારા આજરોજ બુધવારે અન્ય મુસાફરોના કવોરોન્ટાઈન અંગેના જાહેરનામામાં રજુ થયેલી વિગત મુજબ અન્ય રાજ્યો તથા ગુજરાત રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત જેવા રેડ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાંથી આ જિલ્લામાં આવતી વ્યક્તિઓને ફરજિયાત પણે જિલ્લામાં આવેલા સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં દસ દિવસ સુધી રાખવામાં આવશે.

સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં દસ દિવસનો આ પીરીયડ પૂર્ણ થયા બાદ જો કોઈ લક્ષણ ન જણાય તો બીજા ચાર દિવસ માટે હોમ કવોરોન્ટાઈનની પરવાનગી આપવામાં આવશે.સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ તથા ગ્રીન ઝોન જાહેર થયેલા જિલ્લાઓમાંથી અત્રેના જિલ્લામાં આવતા વ્યક્તિઓએ ફરજિયાત પણે ચૌદ દિવસ સુધી હોમ કવોરોન્ટાઈન થવાનું રહેશે. ચેકપોસ્ટ ખાતે અન્ય રાજ્ય કે જાહેર થયેલા જિલ્લાઓ કે વિસ્તારોમાંથી દ્વારકા જિલ્લામાં આવતા દરેક વ્યક્તિઓને મેડિકલ સ્ક્રિનિંગ દરમિયાન જો કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાઈ આવશે તો આરોગ્યની ટીમ દ્વારા મુખ્ય આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરી અને ગાઈડલાઈન મુજબ કોવિડ- 19 હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ અન્ય રાજ્ય કે ગુજરાતના રેડ ઝોન વિસ્તારમાંથી મુસાફરી કરી, અત્રેના જીલ્લામાં આવ્યા હોય તેઓએ નજીકની સરકારી હોસ્પિટલ ખાતે અથવા અત્રેના જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફોન નંબર 02833-232125 અથવા 232084 અને ટોલ ફ્રી નંબર 1077 અથવા આરોગ્ય વિભાગના હેલ્પલાઇન નંબર 104 ઉપર ફરજિયાત જાણકારી આપવાની રહેશે. આટલું જ નહીં અધિકારીની સુચના મુજબ કવોરોન્ટાઈન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જે વ્યક્તિ દ્વારા આમ  કરવામાં નહીં આવે તેવી વ્યક્તિઓ સામે ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ જિલ્લામાં અન્ય વિસ્તારોમાંથી આવેલા વ્યક્તિઓને અંગેની જાણ તાલુકા હેલ્થ ઓફિસર અથવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કરવાની જવાબદારી નગરપાલિકા વિસ્તાર માટે સંબંધિત ચીફ ઓફિસર તથા ચૂંટાયેલા સભ્યો જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે સરપંચ, તલાટી વિગેરેની રહેશે. આ જિલ્લામાં નિમણૂક આપવામાં આવેલા ચેકપોસ્ટ ખાતે નોડલ અધિકારી કે કર્મચારીઓએ અન્ય રાજ્ય કે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત જેવા રેડ ઝોન જાહેર થયેલા વિસ્તારો તથા ગ્રીન અને ઓરેન્જ વિસ્તારોમાંથી આવતા તમામ વ્યક્તિઓને ફરજિયાત પણે અત્રેથી આપવામાં આવેલી ગૂગલ ડોક લીંકમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાનું પણ આ જાહેરનામામાં જણાવાયું છે.