બોર્ડ પર 'SORRI' અને હાર્ટ દોરી વિદ્યાર્થીનો શાળામાં આપઘાત !

શાળાના પટાંગણમાં સ્થિત વૃક્ષ પર ખાધો ગળેફાંસો

બોર્ડ પર 'SORRI' અને હાર્ટ દોરી વિદ્યાર્થીનો શાળામાં આપઘાત !

Mysamachar.in-વલસાડઃ

સગીર અવસ્થાની કુમળી વયે આવેશમાં આવી બાળકો કેવું પગલું ભરી બેસે છે તેનું ઉદાહરણ આપતી ઘટના વલસાડના એક ગામમાં બની છે. અહીં સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ-9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ સ્કૂલના પટાંગણમાં આવેલા વૃક્ષમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચારી મચી છે. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે સ્કૂલના બ્લેક બોર્ડ પર મોટા અક્ષરે SORRI લખેલું છે અને બાજુમાં હાર્ટનું નિશાન પણ દોરેલું છે, તો ગામના માજી સરપંચે હત્યાની પણ આશંકા વ્યક્ત કરતાં અનેક અટકળો વહેતી થઇ છે.

બનાવની વિગત પ્રમાણે પીપલવાડા ગામના ચોસપાડા ફળીયામાં રહેતા 14 વર્ષિય નિનવેશ વાઘમારે પારનેરા ગામ ખાતે આવેલી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને ત્યાં હોસ્ટેલમાં રહેતો હતો. શાળાના કસરત ગ્રાઉન્ડમાં ન દેખાતા નિનવેશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન નિનવેશ સ્કૂલના પટાંગણમાં આવેલા વૃક્ષ સાથે દોરી બાંધી લટકતી હાલતમાં મળી આવ્યો. ત્યારબાદ તાત્કાલિક ગામમાં સરપંચ તથા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. તપાસ કરતા નિનવેશ દ્વારા કલાસરૂમના બ્લેક બોર્ડ પર આજની તારીખ 20/12/2019 અને મોટા અક્ષરે SORRI લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, હાલ આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.

હત્યાની આશંકા ?

તો મૃતક વિદ્યાર્થીના પરિવારજનો અને આચાર્યનું કહેવું છે કે નિનવેશ ગત જુન માસમાં જ ધોરણ 9માં અભ્યાસ અર્થે આવ્યો હતો. તેને સ્કૂલમાં આવ્યાને હજુ એક વર્ષ પણ થયું નથી. નિનવેશ શાંત અને સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓને હસાવતો રહેતો હતો, એવામાં તેણે આવું પગલું કેમ ભર્યું તે તપાસનો વિષય છે. બીજી બાજુ પીપલવડા ગામના માજી સરપંચનું કહેવું છે કે આ આપઘાત નહીં પરંતુ હત્યા શંકા નકારી શકાય નહીં. ત્યારે હાલ પોલીસે તમામ વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.