'સૌરાષ્ટ્રવાસીઓ બપોરનું ભોજન મુંબઇમાં અને વાળું ઘરે કરી શકશે'

દિવાળી પહેલા સૌથી મોટા ખુશીના સમાચાર

'સૌરાષ્ટ્રવાસીઓ બપોરનું ભોજન મુંબઇમાં અને વાળું ઘરે કરી શકશે'
ફાઇલ તસવીર

Mysamachar.in-રાજકોટઃ 

સામાન્ય રીતે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ અને ઉદ્યોગકારો દરરોજ મુંબઇ વેપાર અર્થે જતા હોય છે. એમાય સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ અવાર નવાર મુંબઇ જતા હોય છે, સૌરાષ્ટ્રવાસી વેપારીઓ માટે દિવાળી પહેલા સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. કારણ કે રાજકોટથી મુંબઇની બે સ્પેશિયલ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઇટ સવારે મુંબઇ જશે અને સાંજે ત્યાંથી રાજકોટ પરત ફરશે. આ ફ્લાઇટ કુલ 10 કલાકમાં રાજકોટથી મુંબઇ અને મુંબઇથી રાજકોટ પહોંચાડી દેશે. આ નવી ફ્લાઇટ દરરોજ સવારે 6.40 કલાકે મુંબઇ જવા ઉડાન ભરશે, ત્યારબાદ મુંબઇથી રોજ સાંજે 4.45 કલાકે રાજકોટ આવવા ઉડાન ભરશે. રાજકોટથી મુંબઇ દરરોજ બે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે જેમાં એક રાજકોટથી ઉડાન ભરશે તો બીજી સાંજે રાજકોટ પરત ફરશે. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો સૌરાષ્ટ્રવાસીઓ બપોરનું ભોજન મુંબઇમાં કરી સાંજનું વાળું રાજકોટમાં તેના ઘરે કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વસતા વેપારીઓ ઉદ્યોગકારો આ સેવાનો લાભ લઇ પોતાનો કિંમતી સમય બચાવી શકે છે.