Mysamachar.in-સુરતઃ
સોશિયલ મીડિયાથી લઇને ગામે ગામ ચર્ચાનો વિષય બનેલા વેવાઇ-વેવાણની પ્રેમ કહાનીમાં હવે નવો ટ્વીસ્ટ આવ્યો છે. વેવાઇ-વેવાણ ભાગી જતા બંને પરિવાર વચ્ચે હવે કાયદેસરની લડાઇ શરૂ થઇ છે. બન્યું એવું કે ભાગેલા વેવાઇ-વેવાણ તો પાછા આવી ગયા પરંતુ તેમના સંતાનો વચ્ચે થનારા લગ્ન તૂટી ગયા છે, હવે વેવાણના પતિએ દીકરીના લગ્ન માટે ચડાવેલા દાગીના સહિતનો સામાન સુરતમાં જ રહેતા સંબંધી મારફતે વેવાઈના ઘરે મોકલ્યો હતો, જો કે સામાન આપવા આવેલા યુવકને વેવાઈએ ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. તો સામા પક્ષે વેવાઇએ પણ ફરિયાદ દાખલ કરી છે. બંને તરફથી નોંધાયેલી ફરિયાદમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નવસારીમાં રહેતી દીકરીના પિતાએ લગ્ન તો તોડી નાખ્યા પણ પોતાની દીકરીના લગ્ન માટે ચડાવેલા સોનાના દાગીના સહિતનો સામાન સુરત ખાતે રહેતા પોતાના સંબંધી પાસે મોકલી આપ્યો હતો. સંબંધીએ એક યુવકને આ સામાન વેવાઈને ત્યાં આપવા મોકલ્યો હતો. યુવક સામાન આપવા માટે ભાગી ગયેલા વેવાઇને ત્યાં ગયો પરંતુ ચૂપચાપ સામાન લઇ લેવાને બદલે વેવાઇએ યુવકને ગોંધી રાખીને માર માર્યો હતો. આથી યુવકે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. જેથી અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકને છોડાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બાદમાં સામા પક્ષે વેવાઇએ પણ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પહેલા વેવાઇ-વેવાણ ફરાર થયાની ચર્ચા જાગી હતી, હવે બંને પરિવારો વચ્ચે કાનુની લડાઇને કારણે ભારે ચર્ચા જાગી છે.