શું કચ્છ બાદ હવે જામનગર ભૂકંપનું એપી સેન્ટર બન્યું છે ?

શહેરવાસીઓમાં ભયનો માહોલ

શું કચ્છ બાદ હવે જામનગર ભૂકંપનું એપી સેન્ટર બન્યું છે ?
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-જામનગરઃ

સોમવારે જામનગરની ધરા ભૂકંપના તિવ્ર આંચકાથી ધ્રુજતા શહેરવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સાંજના 8 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભુકંપને કારણે મકાનો હલી ગયા હતા. થોડીવાર તો લોકો અવઢવમાં મૂકાયા કે અચાનક ઘરમાં ઝટકો કેમ આવ્યો, જો કે આડોસી પાડોસીને પુછ્યું તો તેમણે પણ ઝટકો અનુભવ્યો હોવાનું જણાવતા ખાતરી થઇ કે આ ભૂકંપ જ હતો. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે એક સપ્તાહમાં ગુજરાતમાં ભુકંપના 36 આંચકા આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ જામનગરમાં 12 આંચકા આવ્યા છે. ગાંધીનગર ખાતે આવેલા ઈન્સ્ટિટ્યુટ સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટર તરફથી આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં આ વિગત જાહેર કરવામાં આવી છે.

જામનગરમાં સોમવારે રાતે આવેલા ભૂકંપની તિવ્રતા 3.7ની હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર ભૂકંપ સિસ્મિક ઝોન 4માં આવે છે, જેના કારણે અહીં અવાર નવાર 3.3 સુધીના ભુકંપના ઝટકા આવતા રહે છે, જો કે સોમવારે 3.7ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોને અનુભવ થયો. રસોડામાં વાસણ ખખડવાથી લઇને ઘરના બારી બારણા અને દરવાજા ખખડ્યા હોવાનો લોકોએ અનુભવ કર્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ શહેરથી 27 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં અને આંચકાની ઉંડાઇ 6 કીમી નોંધાઇ હતી. સરાપાદર ગામે ભૂકંપના આંચકાથી છત અને દીવાલ ધરાશાયી થયા છે. સોમવારે 3.7ની તિવ્રતાના ભૂકંપ બાદ પણ મંગળવારે વહેલી સવારે એક-બે આંચકા આવ્યા હતા, જો કે તેની તિવ્રતા ઓછી હોવાને કારણે લોકોને ખબર પડી ન હતી.