Mysamachar.in-જામનગરઃ
છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા ઠંડીના અસલી અનુભવથી જનજીવન પ્રભાવિત થયું છે, શુક્રવારે જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 7.5 ડિગ્રી પહોંચી ગયો છે, તો મહત્તમ તાપમાન 21 નોંધાયું છે, ભેજનું પ્રમાણ 81 ટકા અને પવનની ગતિ 5.82 નોંધાઇ છે. જો કે હજુ ત્રણથી ચાર દિવસ ડબલ સ્વેટર પહેરી રાખવા પડે તેવી ઠંડી પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. આગાહી પ્રમાણે ત્રણ દિવસ સુધી જામનગર, દ્વારકા, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની આગાહી કરી જેમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, કચ્છમાં ઠંડા પવનો ફૂંકાશે, ખાસ કરીને રાતના સમયે હાડથીજવતી ઠંડી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ બાદ ઠંડીનો રો રાઉન્ડ શરૂ થાય છે, એટલે કે હવે દિવસે ને દિવસે ઠંડીમાં ઘટાડો થતો જશે. ફેબ્રુઆરીના મધ્યમાં ગરમીનો અનુભવ થવાનું શરૂ થઇ શકે છે. બીજી બાજુ ત્રણથી ચાર દિવસ ઠંડીના કારણે લોકોના જીવન પર ખાસ અસર પડી શકે છે.