Mysamachar.in-રાજકોટઃ
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ વાસીઓ જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યાં હતા તેનો અંત આવ્યો છે, શહેરમાં 156 કરોડનો ખર્ચ કરી બનાવવામાં આવેલા એરપોર્ટ જેવા અત્યાધુનિક બસપોર્ટનું 25મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે, આ નવા બસપોર્ટમાં પ્રવેશતાની સાથે જ મુસાફરને વિદેશમાં આવ્યા હોવાનો અનુભવ થશે તેવી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. તો અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ/પ્લાઝા, શો-રૂમ, ગેમઝોન અને સિનેમા સહિતની સુવિધા હોવાથી શહેવાસીઓ માટે માત્ર મુસાફરી જ નહીં પરંતુ શનિ-રવિમાં ફરવા જવાનું મન થશે.
આ નવું બસપોર્ટ 156 કરોડના ખર્ચે તૈયાર થયું છે, 11,178 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલા આ બસપોર્ટમાં 1200 બાઇક અને 300 કાર માટે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ તથા રોજની 1450થી વધુ બસ આવનજાવન કરી શકે છે. આ સિવાય અન્ય સુવિધામાં ટિકિટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, સમયપત્રકની માહિતી, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વિવિધ સૂચનાત્મક સાઈન બોર્ડ, સીસીટીવી કેમેરા – સર્વેલન્સ સિસ્ટમ, જી.પી.એસ. સિસ્ટમ, ડિલક્સ પ્રતીક્ષા ખંડ, વ્હિલચેર, લગેજ ટ્રોલી, મુસાફર બેઠક વ્યવસ્થા, કેન્ટીન/ રેસ્ટોરન્ટ, ડોરમેટરી, ક્લોક,પેસેન્જર ટોઈલેટ,પીવાનું પાણી, ઈન્ટરમિડિએટ પબ્લિક ટ્રાન્સપોર્ટ (આઈ.પી.ટી.), મનોરંજન માટે મલ્ટિપ્લેક્સ, રિટેલ સુપર માર્કેટ/ શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ/ ફૂડકોર્ટ/ પ્લાઝા, મલ્ટિપ્લેક્સ સિનેમા, 350 જેટલી વ્યવસાયિક ઓફિસો અને શો-રૂમ, હોટેલ, બેઝમેન્ટ પાર્કિંગ ટુ વ્હિલર/ ફોર વ્હિલર, ગેમઝોનનો સમાવેશ થાય છે.
બસપોર્ટમાં 350થી વધુ દૂકાનો પણ હશે. નવા બસપોર્ટમાં મુસાફરોને મનોરંજન, ખાવા-પીવા, શોપિંગ જેવી અનેક વ્યવસ્થાઓનો લાભ મળશે. ગ્રાઉન્ડ ફ્લોર પર 20 જેટલા પ્લેટફોર્મ બનાવાશે જ્યાં દરેક રૂટની બસોના ડિજિટલ બોર્ડ મુકાશે. ગ્રાઉન્ડ ફ્લોર પરથી તમામ બસોનું સંચાલન થશે, જ્યારે ઉપર ચાર માળમાં 350 જેટલી કોમર્શિયલ દુકાનો હશે. ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે બે માળનું સેલર બનાવાયું છે જ્યાં એકસાથે 1000 જેટલા બાઈક અને 300 જેટલી કાર પાર્ક થઇ શકશે. રાજકોટ ડિવિઝન એક દિવસમાં 1,14,000 મુસાફરોનું સંચાલન કરે છે. 2,03,229 કિલોમીટર અને 2278 લોકલ ટ્રીપનું રાજકોટથી સંચાલન કરાય છે. 256 એક્સપ્રેસ ટ્રીપ દરરોજ દોડાવાય છે. 500થી વધુ બસો રાજકોટ ડિવિઝનમાં છે.