પાડોશી દંપતીની હત્યા નીપજાવવાનો કેસ, પોલીસકર્મીને 25 વર્ષની કેદની સજા

સામાન્ય બાબતે પાડોશી દંપતીને રહેસી નાખ્યા હતા

પાડોશી દંપતીની હત્યા નીપજાવવાનો કેસ, પોલીસકર્મીને 25 વર્ષની કેદની સજા

Mysamachar.in-રાજકોટ

રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 2014ના ડબલ મર્ડર કેસમાં તત્કાલીન આરોપી કોન્સ્ટેબલ કમલેશ મહેતાને દોષી ઠેરવ્યો હતો અને 25 વર્ષની કેદની સજા ફટકારી છે. કમલેશ મહેતાએ IOCના કર્મચારી ભૂપત તેરૈયા અને તેમના પત્ની ગુણવંતીબેનનની છરી વડે હત્યા કરી હતી. ઘટના કઈક એવી બની હતી કે  7 એપ્રિલ 2014ના રોજ બજરંગવાડી પાસે પુનિતનગર શેરી નં.4માં સરાજાહેર પાડોશી દંપતીની કોન્સ્ટેબલે હત્યા કરી હતી. હત્યાના ગુનામાં છેલ્લા 6 વર્ષથી કમલેશ રાજકોટની સેન્ટ્રેલ જેલમાં છે. ઘર પાસે બેસવા જેવી નજીવી બાબતે છરી વડે ચાલુ ફરજમાં હત્યા કરી હતી.

2014માં કમલેશ B ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. આજે અધિક સેશન્સ જજ ડી.ડી. ઠક્કરે કમલેશને વીડિયો કોન્ફરન્સથી સાંભળ્યો હતો. બાદમાં કોર્ટ દ્વારા તેને દોષીત જાહેર કરી 25 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.  આરોપીની બનાવ સમયે 35 વર્ષની ઉંમર હતી. પૂરી 25 વર્ષની સજા ભોગવ્યા બાદ 60 વર્ષની ઉંમરે તેનો જેલમાંથી છૂટકારો થશે. આરોપીએ સામાન્ય બાબતે છરીના ઘા મારીને વિપ્ર દંપતી ભુપતભાઇ તેરૈયા અને ગુણવંતીબેન તેરૈયાની હત્યા કરી હતી. સાંજના 7 વાગે  બનાવ બાદ તુરંત જ રાત્રીના 3 વાગે કમલેશની ધરપકડ કરીને લોહીવાળી પોલીસની વર્ધી, બકલ નંબર નામ સહિતની કબ્જે કરી હતી. હત્યાના બનાવ બાદ આરોપીને એરપોર્ટની પાસેની દીવાલ નજીક છરી દાટી દીધી હતી તેને પણ પોલીસે કબ્જે કરી હતી.આમ આ ચકચારી કેસમાં આજે કોર્ટે ચુકાદો સંભળાવીને આરોપીને 25 વર્ષની કેદની સજા ફટકારી છે