ગુજરાતમાં રોજ ત્રણ હત્યા, યુવાનોના આપઘાતનો આંકડો ચોંકાવનારો

NCRBનો વાર્ષિક રિપોર્ટ

ગુજરાતમાં રોજ ત્રણ હત્યા, યુવાનોના આપઘાતનો આંકડો ચોંકાવનારો

Mysamachar.in-ગાંધીનગરઃ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા 2018’ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડામાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે કે ગુજરાતમાં દરરોજ ત્રણ હત્યા થઇ રહી છે, જ્યારે આપઘાત કરનારાઓમાં સૌથી વધુ સંખ્યા બેરોજગાર યુવાનોની છે. NCRBના ડેટા પ્રમાણે વર્ષ 2017-18માં ખેડૂતો કરતાં વધારે બેરોજગારોએ આત્મહત્યા કરી છે. દેશમાં બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા કરનારાઓની સંખ્યા વર્ષ 2018માં 12,936 છે. 2018માં આઇપીસી હેઠળ કુલ 1.48 લાખ કેસ નોંધાયા હતા. 2017માં આંકડો 1.28 લાખ હતો. 

ગુજરાતમાં 2016માં કુલ 7,735 લોકોએ આપઘાત કર્યો હતો જેમાંથી 295 યુવાનોએ બોરોજગારીને કારણે આપઘાત કર્યો હતો જ્યારે 225 લોકોને વ્યવસાયમાં તકલીફને કારણે મોતને વહાલુ કર્યુ હતુ. 186 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થવાને કારણે આત્મહત્યા કરી લીધી હતી જ્યારે ગરીબીથી કંટાળીને 111 જણાએ આપઘાત કર્યો હતો. હત્યાની વાત કરીએ તો અમદાવાદમાં 2017ના 90 મર્ડર સામે 2018માં 98 મર્ડર કેસ નોંધાયા હતા. સુરતમાં 89 કેસની સામે 2018માં 108 મર્ડર કેસ નોંધાયા હતા. વય અને જાતિ મુજબ આંકડાઓ પ્રમાણે, 18થી 30 વર્ષના કુલ 611 વ્યક્તિઓની હત્યા થઇ હતી, જેમાં 310 પુરુષો અને 301 મહિલાઓનો સમાવેશ થાય છે. કુલ ભોગ બનનારાઓમાં 840 પુરુષો અને 299 મહિલાઓ જ્યારે એક ટ્રાન્સઝેન્ડરનો પણ સમાવેશ થાય છે. 2018માં આઇપીસી હેઠળ કુલ 1.48 લાખ કેસ નોંધાયા હતા. 2017માં આંકડો 1.28 લાખ હતો.