તમાકુની તલપે હત્યા કરાવી

બે શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા

તમાકુની તલપે હત્યા કરાવી

Mysamachar.in-મોરબી

તમાકુના બંધાણીઓની સ્થિતિ લોકડાઉન માં જોયા જેવી થઇ છે, કોઈ જગ્યાએ તમાકુ માટે ફાયરીંગ થાય છે તો કોઈ જગ્યાએ હત્યા તો ક્યાંક બબાલ....આવો જ વધુ એક કિસ્સો સૌરાષ્ટ્રના મોરબીમાં સામે આવ્યો છે, મોરબીના મચ્છુ નદીના પટમાંથી બે દિવસ પૂર્વે માથું છૂંદાયેલી હાલતમાં યુવાનની લાશ મળી હતી. જેમાં મૃતકે તમાકુ આપવાની ના પાડતા બે યુવકે સાથે મળીને યુવાનને પતાવી દીધાનું સામે આવે છે, વાંકાનેર નજીકની મચ્છુ નદીના પટમાંથી  ગત ત્રણ તારીખે દેવીપુજક હસમુખભાઇ ઉર્ફે ડુટાળો ધનજીભાઇ ની લાશ નદીના પટમાં કોઇ અજાણ્યા ઇસમોએ માથામાં, મોઢા ઉપર તથા શરીર ઉપર પથ્થરના ઘા ઝિંકીને હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો.પોલીસે ખુનનો ગુનો નોંધીને આરોપીને શોધી કાઢવા એલસીબીને તપાસ સોંપાઈ હતી,

તપાસ દરમિયાન  સ્ટાફને મળેલી ચોકકસ હકીકતને આધારે આરોપીઓને મૃતક હસમુખે તમાકુ ન આપતા શરીર પર તેમજ મોઢાના ભાગે માર મારી હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે છગન કરશનભાઇ વાઘેલા તથા નરશી વલ્લભભાઇ વાઘેલાને હત્યાના આરોપસર પકડી પાડ્યા હતા. આ બન્ને આરોપીની આકરી પૂછપરછ હાથ ધરાતાં જાણવા મળ્યું હતું કે બંન્ને આરોપીઓને તમાકુની તલપ લાગી હતી અને હસમુખ પાસે તમાકુની માંગણી કરી હતી પરંતુ મરનારે તમાકુ આપવાની ન પાડતાં બન્નેએ તેની સાથે જોરદાર માથાકૂટ કરી હતી અને બાદમાં પથ્થરોના ઘા મોઢા પર અને માથાના ભાગે મારી હત્યા નીપજાવી હતી. જો કે ખરેખર આ જ સાચું કારણ કે કેમ તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.