થર્ટી ફર્સ્ટે આ જિલ્લામાંથી સૌથી વધુ પીધેલા પકડાયા

પોલીસ સ્ટેશન 'હાઉસફૂલ'

થર્ટી ફર્સ્ટે આ જિલ્લામાંથી સૌથી વધુ પીધેલા પકડાયા

Mysamachar.in-અમદાવાદઃ

થર્ટી ફર્સ્ટની યુવાધને રંગારંગ ઉજવણી કરી હતી, જો કે કેટલાક યુવાનો એવા પણ હતા જેઓએ નશો કરીને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી. દારૂબંધીનું પોલીસ દ્વારા ચૂસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. અગાઉથી જ એક્શન મોડમાં આવેલી પોલીસે થર્ટી ફર્સ્ટની રાતે એટલા પ્યાસીઓની ધરપકડ કરી કે તેમને પૂરવા માટે પોલીસ સ્ટેશનો હાઉસફૂલ થઇ ગયા હતા. જેલમાં જગ્યા ઓછી પડતાં પોલીસ સ્ટેશનમાં બેસાડવાની ફરજ પડી હતી. રાજ્યમાં સૌથી વધુ પીધેલાઓ વલસાડમાંથી પકડાયા છે. કેન્દ્રશાસિત દમણમાંથી ડમડમ થઇને ગુજરાત આવેલા લોકોનું વલસાડ પોલીસ દ્વારા આગતા સ્વાગતા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. થર્ટી ફર્સ્ટની રાત્રે વલસાડમાં 500થી વધુ પીધેલા ઝડપાયા હતા. તો અમદાવાદમાંથી રાતે 12 વાગ્યા સુધીમાં 218 પીધેલા પકડાયા હતા.

તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ડ્રિન્ક & ડ્રાઈવમાં 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવતા પોલીસ સ્ટેશન પીધેલાઓથી છલકાયું હતું. આ લોકો થર્ટી ફર્સ્ટે સંઘ પ્રદેશથી ટલ્લી થઇને આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ પ્રોહીબિશનનો ગુનો ઉના પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ઉનામાં 73 અને કોડીનારમાં 50 લોકો વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો છે. સુરતમાંથી 230 જેટલા લોકો ઝડપાયા હતાં. જેમાંથી 3 ટીઆરબી જવાન રાત્રે ડુમસથી ઝડપાતા તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે બોર્ડર પર આવેલા દમણ અને દીવ પ્યાસીઓનું હોટફેવરિટ ડેસ્ટિનેશન બન્યા હતા.

જો કે દમણ અને દીવ નજીક આવેલા જિલ્લાની પોલીસે દારૂબંધીનું પાલન કરાવવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી લીધી હતી, વલસાડ, પારડી અને વાપી જેવા શહેરોમાં પણ પોલીસે જાહેર રસ્તા પર સધન ચેકિંગ કર્યું હતું. નશાખોરોને ઝડપવા માટે પોલીસે બ્રેથ એનેલાઇઝર ડિવાઈસનો ઉપયોગ કર્યો હતો. સાથે નશો કરી વાહન ચલાવતા ચાલકોને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસે અનેક પીધેલાઓને પકડતા રાત્રે જ જિલ્લાના મોટાભાગના પોલીસ સ્ટેશનો પીધેલાઓથી 'હાઉસફૂલ' થઇ ગયા હતા.