જામનગરમાં મચ્છર સક્રિય પરંતુ મોટાભાગના ખાનગી ડોક્ટરો નિષ્ક્રીય

૧૦૦૦થી વધુ કેસ...

જામનગરમાં મચ્છર સક્રિય પરંતુ મોટાભાગના ખાનગી ડોક્ટરો નિષ્ક્રીય

Mysamachar.in-જામનગર:
જામનગર શહેર સહિત જિલ્લાભરમા હાલ ડેંગ્યુ તાવનો ભરડો છે, માટે આ તાવના મચ્છરો સક્રિય છે, પરંતુ મોટાભાગના ખાનગી ડોક્ટરો આવા તાવના દર્દીઓની વિગત સ્થાનિક આરોગ્ય તંત્રને આપવામા નિષ્ક્રીય હોય ડેંગ્યુનો સાચો આંકડો મળતો નથી, અને અટકાયતી પગલા લઇ શકાતા નથી, મેલેરીયા, ડેંગ્યુ, કોલેરા સહિત નોટીફાઇડ ડીસીઝના કેસ આવે તો ખાનગી ડોક્ટરોએ તુરંત આરોગ્ય શાખાને જાણ કરવાની હોય છે, ત્યા સુધી કે શંકાસ્પદ ડેંગ્યુ લાગે તો પણ જાણ કરવી ફરજીયાત છે,

આરોગ્ય વિભાગની આ સુચના જામનગર શહેર અને જિલ્લાના મોટાભાગના ડોક્ટરો ઘોળીને પી ગયા છે, અને માત્ર જુજ ડોક્ટરો અને હોસ્પીટલો જ આવી વિગત નિયમીત આપે છે, આરોગ્ય વિભાગમાંથી વધુમા  જાણવા મળ્યા મુજબ ડેંગ્યુ ચેપી તાવ છે, જેમા ટેમ્પરેચર ઉપરાંત માથુ દુખે,શરીર ઉપર લાલ ચાઠા પડે વગેરે લક્ષણો દેખાય છે એડીસ મચ્છરથી થતા આ રોગના મચ્છર એક દિવસમા પાંચ વ્યક્તિ ને ચેપ લગાડી શકે છે, આ મચ્છરો ઘરમા જ રહે છે અને દિવસે જ કરડે છે, ત્યારે જો આવા કેસની જાણ થાય તો મચ્છરનાશક કામગીરી થઇ શકે પરંતુ જામનગરના મોટાભાગના ડોક્ટરોને લોકોની તંદુરસ્તીની ચિંતા જ ન હોય  આરોગ્ય વિભાગને જાણ જ નથી કરતા તેવું જાણવા મળે છે,..

-૧૦૦૦થી વધુ કેસ...

જામનગર પંથકમા ડેંગ્યુના ૧૦૦૦થી વધુ કેસની શક્યતા છે, કેમ કે જી.જી.હોસ્પીટલ, કોર્પોરેશનની ડીસ્પેન્સરીઓ અને જિલ્લાના પી.એચ.સી. અને સી.એચ.સી. સિવાયના દસ ગણા દર્દીઓ પ્રાઈવેટ ડોક્ટરો પાસે જતા હોય છે, માટે હાલ આ ચેપી રોગના ભરડા વચ્ચે ખાનગી ડોક્ટરો પાસેથી વિગત લેવા ગાજરની પીપુડી વગાડવાને બદલે તંત્રએ કડક થવાની જરૂર છે, જેથી અટકાયતી પગલા જલ્દી લઇ શકાય અને વધુ કોઇ લોકો ડેંગ્યુમા સપડાતા બચી શકે.