લ્યો બોલો, મુખ્યમંત્રીના ગામમાંથી પકડાયો લાખો રૂપિયાનો દારૂ !

દારૂબંધીના વિવાદ વચ્ચે

લ્યો બોલો, મુખ્યમંત્રીના ગામમાંથી પકડાયો લાખો રૂપિયાનો દારૂ !
ફાઇલ તસવીર

Mysamachar.in-રાજકોટઃ

હાલ રાજ્યમાં દારૂબંધીને લઇને રાજકારણ ગરમાયું છે, ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજસ્થાનના મુખ્યમંત્રીના દારૂબંધીના નિવેદન બાદ આકરા શબ્દોમાં ટીકા કરી છે, જો કે આ વિવાદ વચ્ચે વિજય રૂપાણીના જિલ્લા એટલે કે રાજકોટમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડાતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. 

રંગીલા રાજકોટમાં પોલીસે કુવાડવા અને આજીડેમ વિસ્તારમાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો, બાતમીના આધારે પોલીસે કુવાડવા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં દરોડા પાડ્યા હતા, આ દરમિયાન ખેતરમાંથી દારૂની 3200 બોટલ મળી આવી હતી. અહીંથી પોલીસે કુલ 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો કુવાડવાથી નજીક આવેલા આજીડેમ વિસ્તારમાંથી પોલીસે દારૂની 900 બોટલ ઝડપી પાડી હતી. આજીડેમવિસ્તારમાંથી પોલીસે કુલ 3 લાખનો દારૂ વાહનમાંથી પકડી પાડ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને શહેરમાં ભારે ચર્ચા જગાવી છે કે એક તરફ દારૂબંધીનું રાજકારણ ગરમાયેલું છે તો બીજી બાજુ લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર વળતો હુમલો કરતાં પડકાર આપ્યો છે. ગહલોતે કહ્યુ કે, જો ગુજરાતમાં દારૂ નહીં મળે તો તેઓ રાજનીતિ છોડી દેશે અને જો દારૂ મળી જશે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસોથી દારૂબંધીના મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આમને-સામને આવી ગયા છે. બંને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે, આ પહેલા 5 ઑક્ટોબરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જયપુરમાં સવાઈ માનસિંહ હૉસ્પિટલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, દારૂબંધીથી કોઈ ફાયદો નથી થતો. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ઘરે-ઘરે દારૂ પીવાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતાં કહ્યુ હતું કે, ગહલોત આવું નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે, તેમને માફી માંગવી જોઈએ.