મહેસૂલ વિભાગને ડિઝિટલ બનાવવાનો પ્રયાસ, થયા આવા ફેરફાર

મંત્રી કૌશિક પટેલે આપી માહિતી

મહેસૂલ વિભાગને ડિઝિટલ બનાવવાનો પ્રયાસ, થયા આવા ફેરફાર
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

વડાપ્રધાનના ડિઝિટલ ઇન્ડિયાના સપનાને સફળ બનાવવાના પ્રયાસના ભાગ રૂપે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે માહિતી આપતા જણાવ્યું કે મહેસૂલી કાર્યવાહી સરળ અને ઝડપી બને તે હેતુથી કેટલીક સેવાઓને ઇ-ગવર્નન્સના માધ્યમથી ઓનલાઇન કરવામાં આવી છે. જેમાં હવેથી ઓનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણાં ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવે છે. આ નાણાંનું ઓનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી ધ્વારા ખરાઇનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવે છે. આ કાર્યપધ્ધતિમાં સુધારો કરાતા, અરજદારને ઇન્ટીમેશન લેટરની સાથે એન.એ. પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરી અંગેનો પત્ર પણ ઇ-મેઇલથી મોકલવામાં આવશે. આ નિર્ણય પાછળ કારણ જણાવતા કૌશિક પટેલે જણાવ્યું તેનાથી ભ્રષ્ટાચાર અને અરજીકરનારને કચેરીઓના ધક્કા ખાવાની ઝંઝટમાંથી મૂક્તિ મળશે.

વધુમાં મહેસૂલ મંત્રી પટેલે ઉમેર્યું કે, નાણાકીય સંસ્થાઓનું હિત જળવાય તે હેતુથી બોજા સાથેની બિનખેતી / પ્રિમિયમની પરવાનગી મળેલી હોય તો આવી મિલકત વેચાણ, બક્ષિસ, ભેટ, વસિયત, બાનાખત, ગીરો કે અન્ય કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તબદીલીની નોંધો પ્રમાણિત ન થાય તે ચોકસાઇ રાખવામાં આવશે તથા આ અંગેની નોંધ હકપત્રકમાં પણ કરવામાં આવશે. વધુમાં, આવા કિસ્સાઓમાં ગા.ન.નં.૭/૧૨ પરથી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે અને જો ૭/૧૨ માં બોજો નોંધાયેલ હોય તો તે પ્રોપર્ટી કાર્ડની વિગતોમાં તબદીલ થશે. બોજા સાથે આવી પરવાનગી આપવામાં આવે ત્યારે, બોજો આપનાર સંસ્થા/બેંકને આવા હુકમની ઇ-મેઇલથી અને લેખિતમાં જાણ કરવામાં આવશે.