Mysamachar.in-જામનગરઃ
જામનગર સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીને કારણે લોકો થરથરી રહ્યાં છે. એવામાં હજુ બે દિવસ હાડથીજવતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. હવામાન ખાતાનું કહેવું છે કે ઉત્તર ભારતમાં હિમ વર્ષા અને પવનના કારણે ગુજરાતમાં બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. શુક્રવારની વાત કરીએ તો જામનગરમાં લઘત્તમ તાપમાન 10 ડિગ્રી રહ્યું છે, જ્યારે મહત્તમ 23 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા છે અને પવનની ગતિ 8.8 કિમી રહી છે. સવારથી લઇને સાંજ સુધી ઠંડો પવન ફૂંકાતા જામનગરવાસીઓ આખો દિવસ સ્વેટર પહેરવા મજબૂર બન્યા હતા. તો સવારે અને સાંજે તો રીતસર તાંપણું કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 3.3 નોંધાઇ છે, જ્યારે રાજકોટમાં 9 ડીગ્રી, અમદાવાદમાં 10 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. સવારથી જ ઠંડો પવન ફૂંકાતાં લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. હજી બે દિવસ રાજયમાં કાતિલ ઠંડી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.કોલ્ડવેવના કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં વહેલીસવારે સૂસવાટા બોલાવતા પવાનોના કારણે શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં તાપણા જોવા મળ્યા હતા. ગુજરાતમાં ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે તાપમાનનો પારો ફરી ગગડ્યો છે. અગાઉ પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીનો પાર ચઢી ગયો હતો. જોકે, પવને દિશા બદલાતા અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે.