ટિકટોકમાં થયેલા પ્રેમનો અનોખો કિસ્સો, 'પરિણિત યુવકને બંને રાખવી છે'

પતિ, પત્ની ઔર વો

ટિકટોકમાં થયેલા પ્રેમનો અનોખો કિસ્સો, 'પરિણિત યુવકને બંને રાખવી છે'
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-રાજકોટઃ

રાજ્યભરમાં હાલ વીડિયો પ્લેટફોર્મિંગ એપ્લિકેશન ટિકટોકની ભારે બોલબાલા છે. યુવાધન નીત નવા વીડિયો બનાવી અપલોડ કરી નામના મેળવી રહ્યાં છે. જો કે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના કારણે એક દંપતીનો ચાર વર્ષનો સુખી સંસાર ભાંગી પડ્યો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વાત એવી છે કે એક પરિણિત યુવકને ટિકટોક પર યુવતી સાથે પ્રેમ થઇ ગયો. પ્રેમિકા બધુ છોડી યુવકને મળવા આવી પહોંચી, જ્યારે આ વાતની જાણ યુવકની પત્નીને થઇ તો તેણીએ વિરોધ કર્યો પરંતુ પ્રેમમાં અંધ બનેલા યુવકે કહ્યું કે તે પત્ની અને પ્રેમિકા બંનેને અપનાવવા તૈયાર છે. જો કે પત્નીને આ વાત માન્ય ન રહેતા તેણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કિસ્સો રાજકોટના ગોંડલનો છે, અહીં રહેતા રાજ અને પૂનમના લગ્નને ચાર વર્ષ જેવુ થયું આ દરમિયાન તેમને સંતાનમાં બે વર્ષની દીકરી છે, જો કે થોડાક સમયથી રાજ ટિકટોક પર વ્યસ્ત રહેવા લાગ્યો, આ બાબતે બંને વચ્ચે સામાન્ય ઝઘડા શરૂ થયા જો કે થોડા સમય પહેલા મોબાઇલને લઇને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ, જેમાં રાજે કંટાળીને કહ્યું કે ટિકટોક પર તેને રીટા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. એટલું જ નહીં રીટા કચ્છથી ગોંડલ તેને મળવા આવી હતી. આ વાત સાંભળી પૂનમના પગતળેથી જમીન ખસી ગઇ. સમગ્ર બાબતે રાજના માતા-પિતાએ પુત્રવધુ પૂનમનો સાથ આપ્યો અને રાજને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા તેમ છતા પ્રેમમાં અંધ બનેલો રાજ પ્રેમિકા રીટાને છોડવા તૈયાર ન થયો. ઉલટાનું રાજે તેની દીકરીની ચિંતા કર્યા વગર એવું કહ્યું કે તે ગોંડલમાં બીજુ મકાન લઇ લેશે અને તેમાં રીટાને રાખશે, ત્યારબાદ રીટા અને પૂનમ પાસે અવર-જવર કરશે. અંતે કંટાળી પૂનમે 181ને ફોન કરી મદદ માગી જો કે 181ના સમજાવવાના અનેક પ્રયાસો બાદ પણ રાજ માન્યો નહીં જેથી હવે પૂનમ કાયદાકીય પગલા ભરવાની તૈયારી કરી રહી છે. (નોંધઃ તમામ નામ કાલ્પનિક છે)