વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું, ગાંધીનગરમાં ચક્કાજામ

રોડ પર રાત વિતાવી

વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું, ગાંધીનગરમાં ચક્કાજામ

Mysamachar.in-ગાંધીનગરઃ

બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને સરકારનું નમતું ન જોખવાના કારણે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે. ગઇકાલે આખો દિવસ ગાંધીનગર ખાતે આવેલા કર્મયોગી ભવન બહાર દેખાવો કર્યા બાદ બીજા દિવસે સવારથી આંદોલન કરી રહ્યાં છે. રાજ્યભરમાંથી આવેલા 5 હજાર જેટલા ઉમેદવારોએ આખી રાત કર્મયોગી ભવન બહાર વિતાવી હતી, એટલે કે ઠંડી અને પવન વચ્ચે રોડ પર રાત વિતાવી હતી. બીજી બાજુ અત્યારસુધીમાં 800થી વધુ દેખાવકારોની અટકાયત કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે બુધવારે ઉમેદવારોએ ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સવારથી આંદોલન શરૂ કર્યું છે.

વિદ્યાર્થીઓના આંદોલનને સહકાર આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આંદોલન કરી રહેલા બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું. આંદોલનને પગલે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યા, ડીએસપી મયુર ચાવડા અને રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. તો આંદોલનકારીઓએ પરીક્ષા રદ કરવાની માંગ કરી કહ્યું કે જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં. ઉલ્લેખનીય છે કે સરકારે પરીક્ષા રદ કરવાની સ્પષ્ટ ના  પાડી છે. હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આંદોલનના પડઘા અન્ય જિલ્લાઓમાં પડે એવી શક્યતા છે. જો આ મામલે સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે તો આ આંદોલન વધુ ઉગ્ર બને એવા એંધાણ છે. હાલ આંદોલનકારીઓ દ્વારા વધુ ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા છે અને ગુરૂવારે 15 હજાર જેટલા યુવા બેરોજગારો આંદોલનમાં જોડાઈ એવી શક્યતા છે.