ભારે કરી ! ઈ મેમાથી પણ બચવાનો યુવકે શોધી લીધો નુસખો

જાણવા જેવો છે કિસ્સો

ભારે કરી ! ઈ મેમાથી પણ બચવાનો યુવકે શોધી લીધો નુસખો
ઈ મેમાથી બચવા તેણે કાળા કલરનો ઉપયોગ કરી સીરિઝ અને નંબરમાં હળવેકથી ફેરફાર કરી દીધો

Mysamachar.in-સુરતઃ

ટ્રાફિકના નિયમની કડક અમલવારી કરવા માટે દરેક વાહન ચાલકોએ પોતાના વાહનમાં HSRP નંબર પ્લેટ ફરજિયાત લગાવવાની છે. આ નંબર પ્લેટ પર લગાવવામાં આવેલા બારકોડ સ્ટીકરમાં તમારા એડ્રેસથી લઇને તમારા વાહનની સંપૂર્ણ વિગત જાણી શકાય છે. આથી જો તમે કોઇ ટ્રાફિક નિયમ તોડશો તો સિગ્નલ પર લગાવેલા કેમેરામાં કેદ થઇ જશો અને આ કેમેરા તમારા HSRP નંબર પ્લેટમાં લગાવેલા બારકોડ સ્ટીકરને સ્કેન કરી તમારા સરનામા પર ઇ મેમો મોકલી દેવાશે. કહેવાય છે કે આ ઇ મેમાથી બચવું શક્ય નથી, જો કે પૃથ્વી પર માણસ જેટલું ભેજાબાજ કોઇ પ્રાણી નથી. આ વાત સાબિત કરી દેખાડી સુરતના એક શખ્સે. આ શખ્સે પોતાના મોપેડના HSRP નંબર પ્લેટ સાથે એવી છેડછાડ કરી કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઇ.

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના અઠવાગેટ પાસે રોંગ સાઇડ પરથી ગુરુવારે સવારે એક એકટિવા મોપેડ લઈને ચાલક પસાર થતો હતો. આ દરમિયાન પોલીસ કંટોલ રૂમમાંથી રોંગ સાઇડ પરથી મોપેડ લઈને જતા ચાલકનો પોલીસે ફોટો પાડી ઈ-ચલણ ઈશ્યુ કરવા માટે સિસ્ટમમાં રજીસ્ટર નંબર ચેક કર્યા. પરંતુ જેવા આ મોડેપના નંબર નાખ્યા તો પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા, કારણ કે જે નંબર કેમેરામાં દેખાઇ રહ્યાં હતા તે મોપેડના બદલે કારના હતા. કાંઇક ખોટું હોવાનું જણાતા પોલીસ ટીમ ધંધે લાગી અને તપાસમાં સામે આવ્યું કે ખરેખર આ મોપેડનો નંબર GJ-05-LN-9540 છે, પરંતુ ભેજાબાજ ચાલકે કાળા કલરની મદદથી નંબર પ્લેટમાં સારિઝમાં ‘એલ’ ને બદલે ‘સી’ અને નંબરમાં ‘5’ બદલે ‘6’ કરી નાખ્યા.

પોલીસને પણ ચકરાવે ચડાવનારા આ ભેજાબાજ વાહન ચાલકના બાકી પેન્ડીંગ ઈ મેમો પણ પોલિસને મળી આવ્યા હતા. બાદમાં ટ્રાફિક પોલીસે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે એકટિવા મોપેડના ચાલક રાજન શાહ સામે છેતરપીંડિનો ગુનો નોંધ્યો છે. ઉમરા પોલીસે ગુરુવારે મોડીરાત્રે રાજન શાહની ધરપકડ કરી મોપેડ કબજે કર્યુ હતું. ભેજાબાજ ચાલકે નિયમ મુજબ HSRP નંબર પ્લેટ તો ફીટ કરાવી દીધી હતી, પરંતુ ઈ મેમાથી બચવા તેણે કાળા કલરનો ઉપયોગ કરી સીરિઝ અને નંબરમાં હળવેકથી ફેરફાર કરી દીધો. જો કે તેમ છતા તે બચી શક્યો નહીં.