મેસેજ ફોરવર્ડ કરતાં જ લાગ્યો રૂપિયા 98 હજારનો ધૂંબો !

તમે પણ ચેતી જજો નહીં તો બેંક ખાતું સાફ થઇ જશે !

મેસેજ ફોરવર્ડ કરતાં જ લાગ્યો રૂપિયા 98 હજારનો ધૂંબો !
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

દિવસે ને દિવસે ઓનલાઇન છેતરપીંડિની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, વિવિધ રીત અપનાવી બેંક ખાતામાંથી પૈસા પડાવી લેવામાં આવી રહ્યાં છે. આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, અહીં કાલુપુર વિસ્તારમાં રહેતા અશફાકભાઈ ભાવનગરી નામના વ્યક્તિ સાથે રૂપિયા 98 હજારનું ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઇ છે. અશફાકભાઈ પોતે ભણેલા ગણેલા છે અને ગુજરાત હાઈકોર્ટમાં ઓફિસર છે, અશફાકભાઈ ભાવનગરીનું કહેવું છે કે તેઓએ વલસાડ સર્કિટ હાઉસનો નંબર મેળવવા ગૂગલ પર સર્ચ માર્યું તો તેમાં એક સાઈટ પરથી નંબર મળ્યો હતો. તેના પર ફોન કરતા તેમને 10 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. બાદમાં જે લિંક મોકલે તેના પર ફોર્મ ભરીને મોકલવા કહ્યું હતું. 10 રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ અશફાકભાઈને ફોન પર એક લિંક આવી હતી, જેની વિગતો તેમણે ભરીને મોકલી દીધી હતી. જે બાદમાં તેમના મોબાઇલ પર એક સંદેશ આપ્યો હતો જે ફોરવર્ડ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મેસેજને ફોરવર્ડ કરતાની 10 જ મિનિટમાં ખાતામાંથી એક પછી એક 7 ટ્રાન્જેક્શન થયા હતા અને 98 હજાર રૂપિયા ઉપડી ગયા હતા.

અશફાકભાઈએ આ ટ્રાન્જેક્શન પીટીએમથી કર્યું હતું. આથી ફ્રોડ રોકવા તેમણે પાસવર્ડ ચેન્જ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તામાં ઇન્ટરનેટ આવી રહ્યું ન હોવાથી વધારે સમય નીકળી ગયો હતો. સૌથી પહેલા તેમના એસબીઆઈના ખાતામાંથી 40 હજાર ઉપડી ગયા હતા. ત્યાર બાદ કુલ સાત ટ્રાન્જેક્શન થયા અને 98 હજાર ઉપડી ગયા હતા. બેંક તરફથી તેમને પાંચ ટ્રાન્ઝેક્શનના મેસેજ મળ્યા હતા. આ બાબતે તેમણે બેંકને ઇ-મેલ કરીને ફરિયાદ પણ કરી છે, જેનો બેંક તરફથી કોઈ જવાબ આવ્યો નથી. ગઠીયાએ મોકલાવેલી લીંક ફોરવર્ડ કર્યા બાદ પ્રથમ 40 હજાર, પછી 30 હજાર, 4,999, 1 રુપીયો, 2 હજાર, 20 હજાર અને ત્યારબાદ 1 હજાર એમ કુલ 98 હજાર ટોટલ ઉપાડી લીધા. અશફાકભાઈએ આ અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં  કરી છે.