પ્રેમીની કરતુત, 2 બાળકોની માતા પર એસીડ એટેક કર્યો...

મહિલાની હાલત ગંભીર

પ્રેમીની કરતુત, 2 બાળકોની માતા પર એસીડ એટેક કર્યો...

Mysamachar.in-સુરત

રાજ્યમાં સમયાંતરે મહિલાઓ પર એસીડ અટેકની ઘટનાઓ સામે આવી રહી છે, જે નિદનીય બાબત છે, હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સુરતમાં લોકડાઉન દરમિયાન એસિડ એટેકની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં ઘૂસીને પ્રેમીએ બે બાળકોની માતા ઉપર એસિડ એટેક કર્યો હતો. બાદમાં પ્રેમીએ યુવતીની માતાને ફોન કરી એસિડ પી લીધું હોવાની કેફિયત રજૂ કરી હતી. હાલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

સુરતના ઉધના વિસ્તારમાં સત્યનગરમાં 28 વર્ષીય પરિણીતા પોતાના બે બાળકો સાથે માતાના ઘરે રહે છે. અને સિવણ ક્લાસનું કામ કરે છે. પતિ સાથે ઝઘડાને કારણે તે છૂટાછેડા લેવાની હતી. જેથી બે વર્ષથી તે માતાના ઘરે જ રહેતી હતી. આ દરમિયાન પાસે રહેતાં જીજ્ઞેશ રાઠોડ નામના યુવક સાથે પ્રેમ બંધાયો હતો. પણ આ પ્રેમ સંબંધનો અંજામ મહિલા માટે ભારે પડી ગયો અને એસીડ અટેકનો ભોગ બનવાનો વારો આવ્યો છે,

યુવતીના ઘરે પહોચી જીજ્ઞેશે તેના પર એસિડ એટેક કર્યો હતો. જે બાદ તેણે યુવતીની માતાને ફોન કરીને કહ્યું હતું કે, તમારી દીકરીએ એસિડ પી લીધું છે જલ્દી ઘરે જાઉં નહિતર મરી જશે. એસિડ પીધાની જાણ થતાં જ માતા ઘરે પહોંચ્યા હતા. અને તેઓએ બાથરૂમમાં જોયું તો યુવતી પડી હતી. અને મોઢા તેમજ શરીરનાં ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.યુવતીના બાળકોએ પણ આક્ષેપ લગાવ્યો હતો કે, પ્રેમીએ જબરદસ્તી એસિડ પીવડાવ્યું હતું. જો કે હાલ યુવતીની સ્થિતિ ગંભીર હોય તેની સારવાર ચાલી રહી છે, આરોપી જીજ્ઞેશ હાલ ફરાર છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.