શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી નામની જ છે, પોલ ખોલતા આંકડા !

ખુદ સરકારે જાહેર કર્યો હતો રિપોર્ટ

શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી નામની જ છે, પોલ ખોલતા આંકડા !

Mysamachar.in-અમદાવાદઃ

રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતના દારૂબંધીના નિવેદનને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ગેહલોતના નિવેદન બાદ મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપી વિવાદને વધુ વેગ આપ્યો હતો, રૂપાણી કહ્યું કે ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાતો હોવાનું નિવેદન આપી ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે.  જો કે ગુજરાતમાં દારૂબંધીને લઇને અનેક સવાલો થઇ રહ્યાં છે. ગત વિધાનસભામાં રાજ્ય સરકારે દારૂબંધીના આંકડા રજૂ કર્યા હતા જેને જો તા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે.

એક બીજા પર આકરા પ્રહારો કરવા એ રાજકારણીઓનો સહજ સ્વાભાવ હોય છે, એમાય ભાજપ પર જો કોઇ આક્ષેપ કરવામાં આવે પાર્ટીના નેતાઓ આકરા મૂળમાં આવી જાય છે અને આક્ષેપ કરનારની બોલતી બંધ કરી દે છે. જો કે દારૂબંધીના ગેહલોતના નિવેદન બાદ ભલે ભાજપની સરકારના નેતાઓ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે, પરંતુ આજ સરકારના મંત્રીએ વિધાનસભામાં રજૂ કરેલા આંકડા હકીકત ઉઘાડી કરે છે. ગુજરાત વિધાનસભા  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને બે વર્ષમાં દેશી વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલા કેસો, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે પ્રશ્નપૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર તરફથી  રોજના દેશી દારૂના 181 કેસ અને વિદેશી દારૂના 41 કેસો નોંધાવાની ચોંકાવનારી માહિતી આપી હતી. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોાવની વાતો કરતી ભાજપ સરકારના રાજ્યમાં રોજના છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશીદારૂ 15,40,454 લિટર, વિદેશી દારૂની 1,2959463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઇ છે. જેની કિંમત 2548082966 થયા છે. ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી જોઇએ તો, રાજ્યમાં બે વર્ષમાં 1,32,415 દેશી દારૂના કેસો, 29,989વિદેશી દારૂના કેસો નોંધાયા છે. એટલે કે દૈનિક 181 કેસો દેશી દારૂના નોંધાય છે, વિદેશી દારૂના દૈનિક 41 કેસો નોંધાય છે. આ કેસોમાં 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે.

દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યું કે, આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી. અશોક ગેહલોતના આ નિવેદનથી ગુજરાતમાં રાજકીય ભુકંપ આવ્યો છે, આ નિવેદનને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી, તેઓએ જણાવ્યું કે 'એક પછી એક ચૂંટણી હાર્યા બાદ અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. ગેહલોતજીએ તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ. રાજસ્થાનનાં મુખ્યમંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડી ન શક્યા તેથી ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપો કરવા તે તેમને શોભતું નથી. ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.