ફિલ્મી સ્ટાઇલથી પોલીસને રોડ પર દોડાવીને માર મારવામાં આવ્યો

જામનગરમાં પણ પોલીસ સાથે હાથાપાઈ

ફિલ્મી સ્ટાઇલથી પોલીસને રોડ પર દોડાવીને માર મારવામાં આવ્યો

Mysamachar.in-જામનગર:

ગુજરાત સલામત હોવાના દાવાઓ વચ્ચે જેના પર સુરક્ષાની જવાબદારી છે તેવા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી અને હુમલાની અલગ અલગ બે ઘટનાઓ જામનગર અને અમદાવાદમાં સામે આવી છે જેમાં એક બનાવમાં તો IPS અધિકારી તરીકેની ઓળખ આપીને પોલીસ કર્મચારીને ફિલ્મી સ્ટાઇલથી રોડ પર દોડાવીને માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવતા પોલીસબેડામાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એમ છે કે જામનગરમાં નૂરી ચોકડી પાસે લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે જ્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી જયરાજસિંહ પરમારે ચેકપોસ્ટ પરથી પસાર થતાં ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રક ચાલક નાસી છુટતા તેની પાછળ પોલીસ કર્મચારીએ બાઈક દોડાવીને અટકાવ્યો હતો. ત્યારે ટ્રક ચાલક અને તેનો સાગરીતે જયરાજસિંહ પરમાર સાથે ઝપાઝપી કરીને નાસી છૂટતા બંને શખ્સો સામે પોલીસ કર્મચારી જયરાજસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે,

જ્યારે અમદાવાદના બાપુનગર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા મોબતસંગ વજુભા જ્યોતિ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ ગતિથી દોડતી કારના ચાલકને ધીમે ચલાવવાનું કહ્યું હતું. આથી કારચાલક નીચે ઉતરીને તું પોલીસવાળો છો, તો હું IPS છું તેમ કહીને બેફામ માર મારવા લાગ્યો હતો અને તેની સાથે રહેલા બે શખ્સોએ મોબતસંગને રસ્તા પર દોડાવીને માર માર્યો હતો,આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ધ્રુમિલ દેસાઇ,કિરણ દેસાઇ અને પરેશ પટેલની ધરપકડ કરીને આગવી ઢબે સરભરા ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.