પાકવીમાના પ્રશ્ને જામજોધપુર સહિતના ૩ ધારાસભ્યોનો ગાંધીનગરમા મોરચો..

બેસી ગયા છે ધરણા પર..

પાકવીમાના પ્રશ્ને જામજોધપુર સહિતના ૩ ધારાસભ્યોનો ગાંધીનગરમા મોરચો..

mysamachar.in-ગાંધીનગર:

કૃષિભવનમાં કોંગી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડતા હડકંપ મચી જવા પામ્યો છે,પાક વીમાની સહાયની રકમના આંકડા જાહેર કરવા સરકાર પાસે ધારાસભ્યો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે,કોંગ્રેસના ત્રણ  ધારાસભ્યો સહિતનું  કોંગી ડેલીગેશન પણ ચુંટણી સમયે પાકવીમા ને હથિયાર તરીકે ઉપયોગ કરી ને  લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યું છે.

હાલ ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણાએ નિયામકની કચેરીમાં આખી રાત ધરણા પર બેસ્યા હતા, અને હજી પણ આ ધરણા ચાલુ જ છે.પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખરીફ પાક મગફળી માટે વીમા કંપનીઓએ મોટું પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી સુધી મળ્યા નથી, અને જેને રકમ મળી છે તેને યોગ્ય રકમ ના મળી હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે,

પાકવીમાના આ મુદ્દા ને લઈને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સરકાર સામે મોરચો માંડ્યો છે.ગાંધીનગર ખાતે કૃષિ નિયામકની ચેમ્બરમાં કોંગી ધારાસભ્યોએ રાત્રીરોકાણ કર્યું છે. અને ૨૦  કલાક કરતાં પણ વધારે સમયથી ધરણાં પર બેસ્યા છે. પરંતુ અધિકારીઓ કે સરકાર પાસેથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કૃષિ ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઈને રાજ્યપાલ અને લોક અદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.