રાજસ્થાનથી જામનગરના બેરાજા ગામે ૨૪ લાખનો દારૂનો જથ્થો પહોંચ્યો કઈ રીતે?

ક્યાય ન નડી ચેકપોસ્ટ

રાજસ્થાનથી જામનગરના બેરાજા ગામે ૨૪ લાખનો દારૂનો જથ્થો પહોંચ્યો કઈ રીતે?

Mysamachar.in-જામનગર:

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ છેલ્લા બે વર્ષમાં ૧૭૨ કરોડનો વિદેશી દારૂ અને ૨૮ કરોડનો દેશી દારૂ ઝડપાયો હોવાનો વિધાનસભામાં રજૂ થયેલા આંકડા દર્શાવે છે અને દારૂબંધીના નાટક અંગે કોંગ્રેસના પ્રવક્તાએ આક્ષેપ કરીને સરકારની ટીકા કરી છે,ત્યારે ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કડક આદેશો બાદ સમગ્ર રાજ્યની પોલીસ હરકતમાં આવીને દારૂના દરોડા પાડી રહી છે,

તેવામાં રાજસ્થાનથી ગુજરાતની તમામ બોર્ડર પાર કરીને ત્રણ દિવસ પહેલા જામનગર જીલ્લામાં દારૂનો વિશાળ જથ્થો વાડીમાં ઉતારવામાં આવ્યા બાદ તેનું વિતરણ થાય તે પહેલા એલ.સી.બી.ની ટીમને ગંધ આવી જતા દરોડા પાડીને મોટાપાયે દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે,

જામનગર એલ.સી.બી.ની ટીમએ પસાયા બેરાજા ગામે દરોડા પાડીને રામદેવસિંહ ઉર્ફે રામભાઇ ઝાલાની વાડીમાં મકાનમાં રાખેલ ૩૮૭ પેટીઓ એટલેકે ૪૬૪૪ બોટલ કિંમત ૧૮ લાખ ઉપર અને ચપટા નંગ ૬૩૩૬ જેની કિંમત ૬.૩૩ લાખ ગણીને કુલ ૨૪ લાખ ૯૧ હજારના દારૂના જથ્થા સાથે જામનગરના મચ્છરનગરના રામદેવસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે,

એલ.સી.બી.ની પ્રાથમિક તપાસમાં રામદેવસિંહ ઝાલાને આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનગરના જ પ્રહલાદસિંહ સોઢા,યશપાલસિંહ જાડેજા,વિશ્વરાજસિંહ વાઘેલા અને કચ્છના કિશોરસિંહ જાડેજાનું નામ ખૂલ્યું છે અને આ શખ્સો ફરાર હોય ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે,જામનગર જીલ્લામાં આ દારૂ રાજસ્થાનથી સપ્લાય થતો હોવાની વિગતો ખુલતા રાજસ્થાન પાસિંગના ટ્રક ડ્રાઈવરનું નામ ખૂલ્યું છે,

આમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ વિભાગને સૂચના આપવાના ગણતરીના કલાકો બાદ ગત તા.૨૫ અને તા.૨૬ ના રાત્રીના જ જામનગરના પસાયા બેરાજાની સીમમાં ગુજરાતની તમામ બોર્ડરો પાર કરીને દારૂ ઘુસાડવામા આવતા ક્યાકને ક્યાક આપણી બોર્ડરો સુરક્ષિત નથી અને પોલીસની ફરજમાં ચૂક રહી જતા બુટલેગરોને મોકળુ મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.