મામલતદારને ખુલ્લી ધમકી, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકે દઈશ’

ભૂમાફિયા બેફામ

મામલતદારને ખુલ્લી ધમકી, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકે દઈશ’

Mysamachar.in-સુરેન્દ્રનગરઃ

ચોટીલામાં મામલતદારને ભૂમાફિયા દ્વારા ધમકી આપવાની વાતને લઇને હોબાળો મચ્યો છે. પ્રાંત અધિકારીની સૂચના બાદ ચોટીલા હાઇવે પરથી પસાર થતાં મામલતદાર પ્રકાશ ગોઠીએ ખનીજ ચોરીના કેસમાં એક ડમ્પરને ઝડપી પોલીસ હવાલે કર્યા હતા, જો કે આ કાર્યવાહીથી રોષે ભરાયેલા ડમ્પર માલિકે મામલતદારની કારને આંતરી રસ્તામાં જ ભડાકે દેવાની ધમકી આપી દીધી. આથી મામલતદારે ચાર શખ્સો વિરુદ્ધ ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મામલતદારને ચાલુ ફરજ દરમિયાન ભૂમાફિયાની ધમકીને લઇને સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. 

પ્રાપ્ત વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર અને ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ખનીજ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત ચોટીલા હાઈવે પર રેતી ભરીને જતાં ડમ્પરને પકડીને અહીંના મામલતદાર પ્રકાશ ગોઠીએ પોલીસ હવાલે કર્યો હતો. જો કે ડમ્પર છોડાવવા રાજકોટના ખનીજ માફિયાએ રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે મામલતદારને ચોટીલા પોલીસ મથકની બહાર જ ખુલ્લી ધમકી આપીને કહ્યું કે, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકે દઈ મારી નાખીશ’ ઘટના બાદ સાંજે મામલતદાર કોઈ જરૂરી સરકારી કામથી બહાર જતા ખનીજ માફિયા અને તેના સાગરિતોએ તેઓની કાર આંતરી હુમલાનો પ્રયાસ કરતા મામલતદારે ફોન કરી પોલીસને બોલાવી લેતા પોલીસને જોઈ ખનીજ માફિયા ત્યાંથી ભાગી ગયા હતા. ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ બનેલા સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ પણ ધમકી અને રેકીના ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે, પરંતુ રાજકીય વગ અને પૈસાના જોરે માત્ર દેખાવની કામગીરી જ કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.