આચાર સંહિતા ઉઠી પણ ગ્રાન્ટના અભાવની લાચાર સંહિતા અમલમાં..

કામો ચાલે છે ગોકળગતિએ..

આચાર સંહિતા ઉઠી પણ ગ્રાન્ટના અભાવની લાચાર સંહિતા અમલમાં..

Mysamachar.in-જામનગર:

આ વખતની ચૂંટણીમાં એક તો આચાર સંહિતાના દિવસો અઢિ મહીના જેટલા રહ્યાં જેના કારણે વિકાસ કામો,નવી યોજનાઓ ઠપ્પ રહી હવે આચાર સંહિતા તો ઉઠી ગઇ પરંતુ નાણા અભાવની લાચાર સંહિતા હજુ અમલમાં હોય તેમ લાગી રહ્યું છે,જામનગર મહાનગરપાલિકાનો જ દાખલો લઇએ તો સંખ્યાબંધ ગટરના કામો બાકી છે..તે તમામ શરૂ કરી શકાતા નથી જુજ શરૂ કરાય છે,તે પણ ગોકળગતિએ ચાલે છે,પીવાના પાણીની સંખ્યાબંધ લાઇનો નાખવાની બાકી છે, અનેક રોડની હાલત બિસ્માર છે અને નવા રોડ બનાવવાની પણ તાતી જરૂર છે.આવી તો અનેક પ્રાથમિક જરૂરિયાત સુવિધાઓ પુરી કરવાની છે.તેવી જ સ્થિતી ગ્રામ્ય વિસ્તારોની અને સુધરાઇ વિસ્તારોમાં પણ છે.

જો કે જામ્યુકોની તિજોરીની નબળી સ્થિતી,ઘણી વખત પગારના સાસા,નબળી વેરા આવક,જંગી દેણા વગેરેના કારણે સહાયરૂપ થવા સરકારમાં વારંવાર ઘા નંખાઇ તેમાં બે વખત એક વખત ૪૦ કરોડ,એક વખત ૧૨૦ કરોડ ફાળવવાની જાહેરાત થયાનું સ્થાનિક તંત્રએ જાહેર કર્યા બાદ એ નાણાંમાંથી કોઇ હિસ્સો મળ્યાનું જાહેર થયું નથી,અને એકાદ કટકો વચ્ચે નગરસીમના કામો માટે મળ્યો હોવાનું સામે આવ્યું છે,એ સિવાય એકંદરે મનપાની નવી બોડી માટે કપરા ચઢાણ છે.

રાજય સરકાર હજૂ બજેટ હવે પ્રસિદ્ધ કરશે,અમલ તો કોણ જાણે કયારે?

પૂર્ણ અંદાજપત્ર આ વખતે રાજય સરકારે પ્રસિદ્ધ કર્યુ નથી,જે આગામી દિવસોમાં સત્રમા થનાર છે,ત્યારબાદ નાણા ફાળવણીની જોગવાઇ થાય અને આગળ જતા તેનો અમલ થાય ત્યાં સુધીમાં તો લોકોની હાલાકી ભરડો લઇ ગઇ હોય આમેય ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત ખાસ કંઇ સરકારોને કંઇ કરી છુટવાની તમન્ના કે ઉત્સાહ હોતા નથી.

પંચાયત સુધરાઇઓમાં તો‘ભાગ બટાઇ’ ઘર કરી ગઇ વિકાસ કયાંથી થાય..

અમુક પંચાયતો અને સુધરાઇઓમાં તો વિકાસ કામો રહ્યાં કોરાણે,કામોની ગુણવતા રહી કોરાણે, આવક રહી કોરાણે અને ભાગ બટાઇ ઘર કરી ગઇ છે,અને તેમાં વાંકુ પડે તો રાજીનામા દેવા,પક્ષ પલ્ટાની મોસમ ખીલે છે,માટે સત્તા ચલાવવા આંતરીક સખળ-ડખળ સાચવવામાં જ સમય પસાર થાય છે.