8 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ

નરાધમ સીસીટીવીમાં કેદ થયો

8 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-રાજકોટઃ

રાજ્યમાં હાલ કાયદાવ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના પુરાવા આપતી ઘટનાઓ ચરમસીમાએ પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાઓથી અરેરાટી વ્યાપી છે, ત્યારે રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રાજકોટમાં ઝૂંપડામાં રહી મજૂરી કામ કરતાં પરિવારની 8 વર્ષની બાળકીનું રાત્રે એક નરાધમ શખ્સ અપહરણ કરી રોડ પર આવેલા નાલાની નીચે લઇ ગયો જ્યાં દુષ્કર્મ આચર્યું અને બાળકીને એકલી મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, બાળકીના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા છે, અને તે હાલ સારવાર હેઠળ છે.

પ્રાથમિક તપાસમાં પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા જેમાં નરાધમ દ્વારા રાતના 11:21 મિનિટે બાળકીનું અપહરણ કરવામાં આવતું હોવાનું દેખાઇ રહ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા ખુદ રાજકોટ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભોગબનનાર દીકરીને ન્યાય આપવામાં રાજકોટ પોલીસ કટીબદ્ધ છે અને આરોપી અંગે ચોક્કસ માહિતી આપનાર વ્યક્તિને રાજકોટ પોલીસ દ્વારા 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બે દિવસમાં રાજ્યમાં ત્રણ ત્રણ દુષ્કર્મની ઘટના બની છે, જેમાં વડોદરામાં સગીર યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તો રાજકોટમાં જ કૌટુંબીક દાદા દ્વારા બાળકી સાથે અડપલા કર્યા હતા.ત્યારે આવી ઘટનાઓ કંપારી છોડાવી દે તેવી હોય છે.