ક્યાં પહોંચ્યું મહા વાવાઝોડું, અહીં પડશે ધોધમાર વરસાદ

કેમ પડી રહ્યો છે વરસાદ

ક્યાં પહોંચ્યું મહા વાવાઝોડું, અહીં પડશે ધોધમાર વરસાદ

Mysamachar.in-અમદાવાદઃ

ગુજરાત પર આફત બનીને આવેલા મહા વાવાઝોડા પર હવામાન વિભાગે ચાંપતી નજર રાખી છે. રવિવારે સાંજ સુધીમાં મહા વાવાઝોડું અરબી સાગરમાં સ્થિર થઇ ગયું છે. જો કે વાવાઝોડું આવે એ પહેલા જ રાજ્યમાં ચોમાસાની ઋતુ જેવો અનુભવ થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બપોર બાદ અચાનદ કાળા ડિબાંગ વાદળો આવી જાય છે અને અચાનક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ પાછળનું કારણ એવું છે કે મહા વાવાઝોડું ભેજ શોષી રહ્યું છે, જેના કારણે છેલ્લા બેથી ત્રણ દિવસ રાજ્યમાં ઠેર ઠેર વરસાદના રિપોર્ટ મળી રહ્યાં છે. જો કે હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગનું કહેવું છે કે હાલ મહા વાવાઝોડું સ્થિર થઇ ગયું છે, જે પાંચ નવેમ્બરે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે. મહા વાવાઝોડાની ગતિ જોતા એવું લાગી રહ્યું છે કે તે 6 અને 7 નવેમ્બરે ગુજરાતને ધમરોળી શકે છે. તો બીજી બાજુ એવી પણ આગાહી કરવામાં આવી રહી છે કે કદાચ મહા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ શકે છે. વાવાઝોડું ફંટાવા છતા ગુજરાતમાં તેની માઠી અસર વર્તાશે, કારણ કે 6 અને 7 તારીખે રાજ્યમાં જામનગર,  બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. આફતને ધ્યાને રાખી જામનગર, અમદાવાદ, રાજકોટ સહિતની NDRFની ટીમને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.