હાય રે મોંઘવારી, જાણો ક્યાં પહોંચ્યો ડુંગળીનો ભાવ

ખેડૂતો અને જનતાને ભારે હાલાકી

હાય રે મોંઘવારી, જાણો ક્યાં પહોંચ્યો ડુંગળીનો ભાવ
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ચોમાસું લંબાવાને કારણે રેગ્યુલર પાક બળી ગયો છે, પરંતુ હાલમાં જ થયેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીની ખેતીમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. સૌથી વધુ અસર ટમેટા અને ડુંગળીના પાકને થયું છે. ડુંગળીનું પીઠું ગણાતા તળાજા માર્કેટ યાર્ડમાં હાલ છૂટક ડુંગળીના ભાવ કિલોએ 60 રૂપિયાથી વધુ છે. માર્કેટમાં હાલ ફસ્ટ ક્વોલિટીની ડુંગળી આવતી જ નથી. હાલ જે યાર્ડમાં ડુંગળી આવી રહી છે તે સેકન્ડ ક્વોલિટીની છે. તો હાલ લીલી ડુંગળીના ભાવ પણ છુટક કિલોએ 50-60 અને મણના હજારથી બારસો રૂપિયાની આસપાસ છે. વેપારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે આ મહિનામાં અન્ય રાજ્યમાં ડુંગળીનો જથ્થો આવતો હોય છે પરંતુ કોઇ કારણોસર એ હજું આવ્યો નથી. સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ડુંગળીની આયાત કરવામાં આવશે પરંતુ એ કામગીરી હાલ શરૂ થઇ નથી. બે ઋતુને કારણે ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.