Mysamachar.in-રાજકોટઃ
નવા વર્ષને આવકારવા માટે યુવાધન અધિરું બન્યું છે. તો પ્યાસીઓ સેટિંગ કરવામાં વ્યસ્ત દેખાઇ રહ્યાં છે. બીજી બાજુ આંતર રાજ્યની બોર્ડર પર છૂટોદોર મળી જતાં બૂટલેગરો પિત્ઝાની ડિલિવરી કરતાં હોય એમ એક પછી એક ખેપ મારી રહ્યાં હોય એવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં દારૂબંધી છે, આથી અહીં બમણી કિંમતે દારૂ વેચાઇ છે. એવામાં 31 ડિસેમ્બરનો તહેવાર નજીક છે, ત્યારે સીઝનનો ફાયદો ઉઠાવવા બૂટલેગરો ટ્રક મોઢે દારૂ ઘૂસાડી રહ્યાં છે. જો કે માત્ર બૂટલેગરો જ સક્રિય થયા એવું નથી, પોલીસ તંત્ર પણ સાબદુ બની ગયું છે અને એક પછી એક દારૂ ભરેલા ટ્રક મળતિયાઓ સુધી કે દારૂનું કટિંગ થાય એ પહેલા જ દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે. જો કે પોલીસની કાર્યવાહી છતા છેલ્લા 10 દિવસમાં રંગીલા શહેર રાજકોટમાં 45 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ તથા કુલ 73 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
બુધવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 15.76 લાખના દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના હમુમાનરામ જાટ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકની અંદર તપાસ કરતા લોખંડના બોક્સમાં 4212 દારૂની બોટલ મળી આવી હતી. આ પહેલા 11 ડિસેમ્બરે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા ગૌરીદળ ગામની સીમમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 29.33 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટ્રક કબ્જે કરી હતી. તો સાથે જ ટ્રકમાં રહેલ બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. આમ છેલ્લા દસ દિવસમાં જ વિવિધ કાર્યવાહી દરમિયાન 45 લાખથી વધુના વિદેશી દારૂ સહિત 73 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. એવામાં સવાલ એ થાય કે અન્ય રાજ્યમાંથી આટલા મોટા પ્રમાણમાં દારૂ છેક ગુજરાતના સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે કેવી રીતે ?