ખંભાળિયાનો પરિવાર રાજકોટ ખાતે પ્રસંગમાં ગયો, તસ્કરોએ લાભ લઇ ઘર કર્યું સાફ

પોણા પાંચ લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

ખંભાળિયાનો પરિવાર રાજકોટ ખાતે પ્રસંગમાં ગયો, તસ્કરોએ લાભ લઇ ઘર કર્યું સાફ
તસ્વીર:કુંજન રાડિયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ આજથી આશરે ત્રણેક દિવસ પૂર્વે ખાતર પાડી, ઘરમાં રહેલા સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયાની ધોરણસર ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ સાથે સંકળાયેલા કૃષ્ણકાંત રતિલાલ પુરોહિત નામના બ્રાહ્મણ આધેડ તેમના પરિવારજનો સાથે ગત તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ સામાજિક પ્રસંગે રાજકોટ ગયા હતા. તેઓ તારીખ 6 ના રોજ સવારે પરત આવીને જોતાં તેમના ઘરનો સામાન વેરવિખેર થયેલ પડ્યો હતો અને તેમના ઘરમાં ચોરી થયાનું સામે આવ્યું હતું.

આથી આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ તપાસ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ આ રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં પ્રવેશ કર્યાનું ધ્યાને આવ્યું હતું.

મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા એક લાખ દસ હજાર રોકડા તથા રૂપિયા એક લાખની કિંમતનું અઢી તોલા સોનાનું એક મંગલસૂત્ર, રૂપિયા 80 હજારની કિંમતનો બે તોલા સોનાનો ચેન, રૂપિયા 20 હજારની કિંમતનું અર્ધા તોલા સોનાનો અન્ય સોનાનો ચેન, રૂપિયા 40 હજારની કિંમતની એક તોલા સોનાની બુટ્ટી, રૂપિયા 20 હજારની કિંમતનું અડધા તોલા સોનાનુ ડોકીયુ, રૂપિયા 80 હજારની કિંમતની બે તોલા સોનાની પાંચ નંગ વીંટી, રૂપિયા 20 હજારની કિંમતનું એક તોલા સોનાનું પેન્ડલ મળી, કુલ રૂપિયા ત્રણ લાખ સાઈઠ હજારની કિંમતના કુલ નવ તોલા સોનાના દાગીના ઉપરાંત રોકડ રકમ મળી, કુલ રૂપિયા 4 લાખ 70 હજારનો મુદ્દામાલ ચોરી થયાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ બનતા  પી.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ની નિષ્ણાંતો બોલાવી તસ્કરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.