ખંભાળિયાનો એ હત્યા કેસ, ભાઈ નહી પણ ફરિયાદી પતિ જ નીકળ્યો હત્યારો

જાણો કઈ રીતે આવ્યો આ વણાંક

ખંભાળિયાનો એ હત્યા કેસ, ભાઈ નહી પણ ફરિયાદી પતિ જ નીકળ્યો હત્યારો
તસ્વીર:કુંજન રાડિયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ખંભાળિયામાં સોમવારે એક પરિણીત મહિલાની હત્યા અંગેની ફરિયાદ પ્રકરણમાં પોલીસની તપાસ દરમિયાન નવો વળાંક આવ્યો છે. મૃતક મહિલાના પિતરાઈ ભાઈ ઉપર હત્યાનો આરોપ મૂકનાર પતિ જ ખુદ આરોપી હોવાનું પોલીસ તપાસમાં ખૂલતા પોલીસે ગુનો નોંધી આરોપી એવા મૃતક મહિલાના પતિની અટકાયત કરી હતી. ખંભાળિયાના જડેશ્વર ટેકરી વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા આદિવાસી પરિવારના શ્રમિક યુવાન સુનિલ વીરસીંગભાઇ પાંડવી નામના શખ્સે પોતાની પત્ની મીરાને પૈસાની લેતી દેતી બાબતમાં મીરાબેનના પિતરાઈ ભાઈ દશરથ ગુલીયાએ ગરમ પાણી નાખી, ગળા ટુપો દઈને નિર્મમ હત્યા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

આ પ્રકરણમાં પોલીસને હત્યારો પિતરાઈ ભાઈ નહી પણ તેનો પતિ હોવાનું શરૂઆતી તપાસથી જ લાગતું હતું અને પોલીસ તે જ દિશામાં તપાસ કરી રહી હતી,  પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ઉપરાંત મૃતક મહિલાની લાશનું જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ફોરેન્સિક રીતે પોસ્ટમોર્ટમ દરમ્યાન આ યુવતીનું મૃત્યુ ફેફસામાં ધૂળ (માટી) જવાના કારણે તથા શ્વાસ રુંધાઈ જવાના કારણે થઈ હોવાનું ખુલવા પામ્યું હતું. તેથી પોલીસના શરૂઆતથી જ શંકાના દાયરામાં રહેલા પતિ એવા સુનિલ પાંડવીને આગવી ઢબે પૂછપરછ કરતા તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.

દંપતિ વચ્ચેના અવાર-નવાર ઝઘડા દરમિયાન મૃતક મહિલાના પતિ એ જ મીરાબેનનું ગળુ દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત તેણે આપી હતી. આરોપી સુનિલની વધુ પૂછપરછમાં તેણે પોતાની પત્નીને જમવાનું બનાવવા કહેતા તેની પત્નીએ સુનિલને બહારથી જમવાનું લઇ આવ્યા કહેતાં ઉગ્ર બોલાચાલી બાદ પોતાની પત્ની મીરાંએ ઢીકાપાટુનો મારમારી, મોઢું પકડી તેણીના મોઢામાં ધૂળ નાખી મોતને ઘાટ ઉતારી દીધાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે, આ સાથે જેના ઉપર હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે, તે મૃતકના પિતરાઇ ભાઈ દશરથ ગુલિયાને છોડી મૂકવા માટેની તજવીજ પણ કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહિલા મીરાબેનને એક વર્ષનો માસુમ પુત્ર છે. માતાની હત્યા તથા પિતાની પોલીસ દ્વારા ધરપકડ બાદ હાલ આ માસુમ બાળકનો કબ્જો ભાણવડ ખાતે રહેતા તેના દાદીમાંને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.