જામજોધપુરના MLA ચિરાગ કાલરીયા એજન્સી અને ઇજનેરો સામે કરશે ફરિયાદ

ડામરનો ભ્રષ્ટાચાર ખુલશે?

જામજોધપુરના MLA ચિરાગ કાલરીયા એજન્સી અને ઇજનેરો સામે કરશે ફરિયાદ

mysamachar.in-જામનગર

જામનગર જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય સરકારના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાની કામગીરીનો કચ્ચરઘાણ વાળી દેવામાં આવ્યાના એક બાદ એક કિસ્સાઓ માહિતી સાથે my samachar.in પ્રસિદ્ધ કરી રહ્યું છે અને તેના પડઘા પ્રતિક્રિયાઓ સ્વરૂપે આગેવાનો અને જાગૃત નાગરિકોમાં પણ જોવા મળી રહ્યા છે, ત્યારે ગઇકાલે જામજોધપુર અને લાલપુર તાલુકાનાં ચાર ગ્રામીણ રસ્તાની કામગીરીના અહેવાલ my samachar.in દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા,

તેમાં જામજોધપુર તાલુકામાં ૧૩ અને લાલપુર તાલુકામાં ૧૩ મળીને કુલ ૨૬ રસ્તાની કામગીરી ગત વર્ષે કરોડોના ખર્ચે કરવામાં આવી હતી જેમાં ગ્રામીણ પ્રજાને જોઈએ તેવું વળતર ન મળતા અસંતોષની લાગણી જન્મી છે,

જામજોધપુરના પરડવા થી ઊભીધાર રોડ,અમરાપર થી ઊભીધાર રોડ તેમજ લાલપુર તાલુકાનાં વાવડીથી નાના ખડબાના તેમજ દલતુંગીથી સેવકભરૂડિયા રોડ બન્યાને એક જ વર્ષ થયા બાદ ડામર ખુલવા લાગતાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે ફરિયાદો ઉઠી છે,અને આ બાબતનો સ્વીકાર ખુદ નાયબ ઈજનેરએ પણ કર્યો છે,

આ અંગે જામજોધપુર મત વિસ્તારના જાગૃત કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ  my samachar.in ના માધ્યમથી જામજોધપુર અને લાલપુર તાલુકાનાં રોડની કામગીરીના અહેવાલ વાંચ્યા બાદ ચોંકી ઉઠ્યા હતા  અને my samachar.inને આપેલ પ્રતિક્રિયામાં જણાવ્યુ હતું કે,મારા મત વિસ્તારમાં ગ્રામીણ પ્રજાની સુખાકારી માટે સરકાર દ્વારા રસ્તાની કામગીરી માટે ફાળવેલ ગ્રાંટનો દુરુપયોગ થાય તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવા યોગ્ય નથી,

જામજોધપુર અને લાલપુર તાલુકામાં my samachar.inના માધ્યમથી મને જાણવા મળેલ ચાર રસ્તાની કામગીરીમાં આચરવામાં આવેલ ગેરરીતિ તેમજ ટૂંકા ગાળામાં જ ડામર રોડ તૂટવા લાગતા અંગે ગંભીર બેદરકારી બદલ એજન્સી વિરુદ્ધ તેમજ જવાબદાર અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરીશ અને આગામી જીલ્લા ફરિયાદ સંકલનની બેઠકમાં પણ આ રસ્તાનો મુદ્દો ઉઠાવી એક્શન લેવા માટે ફરિયાદ કરવામાં આવશે તેવું ચિરાગ કાલરીયાએ જણાવીને એક ધારાસભ્ય તરીકે જાગૃતતા દાખવી હતી.     


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.