જામનગર લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રોમાંચક મુકાબલો

મતદારો નિર્ણય લેશે તેમના સાંસદ કોણ..?

જામનગર લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રોમાંચક મુકાબલો

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભાની ચૂંટણી રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે,ભાજપ-કોંગ્રેસ પક્ષ સહિતના ૨૮ ઉમેદવારો મેદાનમાં છે,અને આજે કતલની રાત હોય અને આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે બંને પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યુ છે,

જામનગર લોકસભાની સીટ માટે આવતીકાલે મતદાન હોય તે પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભા સરઘસ કરીને જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો જેમાં ભાજપ તરફથી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી,કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ અને છેલ્લે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું યોજીને ભાજપ તરફી વાતાવરણ ઉભુ કરવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો,તેની સામે કોંગ્રેસ દ્વારા પણ ગામેગામ જંગી જાહેર સભાઓ કરીને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને મેદાનમાં ઉતારીને જોરશોરથી પ્રચાર કરાયો હતો અને છેલ્લે જામનગર ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા એહમદ પટેલે પણ મુલાકાત લીધી હતી, 

તેવામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપ દ્વારા રાષ્ટ્રીય મુદ્દાઓ, વિકાસના મુદ્દાઓ સહિતના મામલે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસે પણ ખેડૂતના મામલે અને સ્થાનિક મુદ્દાને પ્રાધાન્ય આપીને કર્યો છે, ત્યારે ગઈકાલે પ્રચાર પડઘમ શાંત પડતા હવે બંને રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર, ખાટલા બેઠક અને ગ્રુપ મિટિંગો કરીને પોતાના ઉમેદવારોને જીતાડવા માટે મતદારો સમક્ષ જઈને એડીચોટીનું જોર લગાડી રહ્યા છે, ત્યારે આ વખતે જામનગર લોકસભાની સીટમાં ભારે હરીફાઈ જામશે અને આવતીકાલે મતદાનના દિવસે મતદારો આકરી ગરમી વચ્ચે પોતાના ભાવી સાંસદનું ભવિષ્ય નક્કી કરવા માટે મતદાન કરીને કોને દિલ્હી મોકલશે તેના નિર્ણય લેશે.