ગામડામા સિંચાઇના મંજુર કામો રદ થશે

પંચાયતનો વહિવટ વધુ કથળ્યો

ગામડામા સિંચાઇના મંજુર કામો રદ થશે

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લા પંચાયતનો વહીવટ દિવસે-દિવસે કથળી રહ્યો છે.. અને ગામડાઓમા સિંચાઇના મંજુર થયેલા કામો રદ કરવાના થશે આવી કરૂણતા જ વરવા વહીવટનો અણઘડ વહીવટનો નમુનો છે, સાથે સંવેદનશીલ સરકારની સંવેદન હીનતાનો પણ નમુનો છે. કેમકે જિલ્લા પંચાયતનો બચાવ છે કે ગ્રાન્ટ અને સ્ટાફના અભાવે આ સ્થિતિ સર્જાઇ છે નહી તો ત્રણ ત્રણ વર્ષ સુધી કામ કેમ ન થાય ? તેમજ ગામડા માટે આ કામો કેટલા મહત્વના છે તે સમજી શકાય છે.

જામનગર જિલ્લાના ૬ તાલુકામાં જિલ્લા પંચાયત દ્વારા તળાવ,ચેકડેમ રીપેરીંગ સહીતના સિંચાઇના કામ કરવામાં આવે છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, છેલ્લાં ત્રણેક વર્ષથી જિલ્લામાં અપૂરતા વરસાદ વચ્ચે જિલ્લા પંચાયત દ્વારા સિંચાઇના કામને સૈંધ્ધાતીંક મંજૂરી આપવા છતાં તળાવ અને ચેકડેમના કામ અધ્ધરતાલ હોવાથી પાણીનો સંગ્રહ ન થઇ શકતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જિલ્લા પંચાયતના ચોપડે બાકી બોલી રહેલા સિંચાઇના કામના આંકડા ખરેખર ચોકવનારા છે. જિલ્લા પંચાયતે સૈંધ્ધાતીંક મંજૂરી આપેલા સિંચાઇના કામો પૈકી વર્ષ ૧૫-૧૬ ના રૂ ૯૪૬૦૦૦૦ ના ૧૮ કામ,વર્ષ ૧૬-૧૭ ના રૂ ૩૦૮૧૦૦૦૦ ના ૪૭ કામ,વર્ષ ૧૭-૧૮ ના રૂ ૨૮૦૫૯૦૦૦ ના ૩૮ કામ હજુ અધ્ધતાલ છે.

-રદ કરવાની દરખાસ્ત 

જામનગર જિલ્લા પંચાયતે વર્ષ ૨૦૧૭-૧૮ માં મંજૂર કર્યા બાદ શરૂ ન થયેલા કામ રદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.જેમાં આણદા ભાદરા રોડ,આણદા કુન્નડ રોડ,લીમ્બુડા રોડ,બુટાવદર સીંગચીરોડા મોટી ભરડ કલ્યાણપુર શેઠવડાળા રોડ,ધુતારપર ખારાવેઢા પીઠળીયા ગામોના  કામનો સામાવેશ થાય છે. 

-કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત હોવાથી ઓરમાયા વર્તનની ચર્ચા ,વિકાસ ટલ્લે

જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. જયારે રાજયમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ભાજપની સરકાર છે.ત્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી સતાની સાઠમારીમાં ખાલી જગ્યાઓ ભરવામાં નથી આવતી  અને સરકાર ગ્રાન્ટ પુરતી નથી આપતી અને અમુક વિભાગને જુજ ગ્રાંટ અપાય છે તે અલગ હિત સાચવવા   અપાય છે  તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે. જેના અનેક ઉદાહરણો મા એક જોઇએ તો સિંચાઇ મા ૪૭ સામે ૮ નો જ સ્ટાફ છે....!! ત્યારે છેવાડાના માનવી સુધીનો અને ગામડાનો વિકાસ ટલ્લે ચઢ્યો છે છતાય બણગા તો મોટા ફુંકાય છે કે સમાનતા ના ધોરણે ભેદભાવ વગર વિકાસ કાર્યો માટે નાણા ફાળવાય છે.