ખેડૂતોની માઠી, હવે પાક વીમાના એજન્ટો બેફામ લૂંટી રહ્યાં છે

વીમા એજન્ટનો વીડિયો વાયરલ

ખેડૂતોની માઠી, હવે પાક વીમાના એજન્ટો બેફામ લૂંટી રહ્યાં છે

Mysamachar.in-અમરેલીઃ

આ વખતે શરૂઆતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં વર્ષ સારું જવાની ખુશી છવાઇ હતી, પરંતુ ચોમાસાને છ મહિના વીતી ગયા હોવા છજા મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી, જેના કારણે સારા વરસાદને કારણે લીલો છમ બનેલો પાક ભારે વરસાદને કારણે સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયો છે. હંમેશની જેમ સરકારે મદદનો હાથ તો લંબાવ્યો પરંતુ તેના અટપટા નિયમોને કારણે ખેડૂતો લાભ લઇ શકતા નથી. એવામાં લેભાગુ તત્વો પણ ખેડૂતોની મજબૂરીનો ફાયદો લેવા તૈયાર થઇ ગયા છે. પાક વીમા માટે હાલ રાજ્યમાં સરવેનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન વીમો પકવવા માટે ખેડૂત દીઠ પૈસા પડાવતો એક એજન્ટનો વીડિયો વાયરલ થયો છે.

કથિત વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમરેલીના ખાંભા તાલુકાના મોટા બામરણ ગામમાં પાક વીમા માટે આવેલા વીમા કંપનીના સર્વેયરો ખેડૂત દીઠ નુકસાનીનો સરવે કરવાના 600 રૂપિયા લાંચ માંગી રહ્યાં છે. એક એજન્ટનો લાંચ માગતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં તે બોલી રહ્યો છે કે 'અમને કંપનીએ 10-15 ટકા નુકસાનીનો જ સરવે કરવાનું કહ્યું છે. જો તમારે વધારે સરવે કરાવવો હોય તો પ્રતિ ખેડૂત રૂપિયા 1,000 આપવાના રહેશે.' અહીં 91 ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ 600 લેવાનું નક્કી કર્યું હતું. જો કે વીડિયો વાયરલ થયાની જાણ થતા વીમા એજન્ટ 9600 રૂપિયા પરત આપી ગયો છે. જો કે ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવાની ઘટના જગજાહેર થઇ જતા કૃષિપ્રધાન આર સી ફળદુએ જણાવ્યું કે અમે ડાયરેક્ટરને કડક પગલા લેવાના આદેશ આપી દીધા છે. એક તરફ કુદરતી આફત તો બીજી બાજુ પ્રાઇવેટ વીમા કંપનીના લેભાગુ તત્વોને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.