Mysamachar.in-જામનગર:
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (સિક્કા યુનિટ), મોટી ખાવડીના સિક્કા ટર્મિનલ ખાતે ૧૦,૦૦૦ મેટ્રિક ટન એમોનિયા સ્ટોરેજ ટેન્કનું જી.એસ.એફ.સી. લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અરવિંદ અગ્રવાલના હસ્તે ઉદઘાટન કરાયું હતું. એમોનિયા ટેન્કના ઉદઘાટન પ્રસંગે જી.એસ.એફ.સી.ના સી.એમ.ડી.અગ્રવાલે ઉપસ્થિત તમામ અધિકારીઓ/કર્મચારીઓને અભિનંદન પાઠવેલ અને આવનારા સમયમાં કંપનીના સિક્કા યુનિટ ખાતે વધુ મૂડીરોકાણ કરી અન્ય નવા પ્રોજેક્ટ લાવવા તેમજ ચાલુ પ્લાન્ટને અડચણ થયા વિના નવી પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવા માટે એક પાયલોટ પ્લાન્ટ સ્થાપવા માટેની કટિબધ્ધતા દાખવી હતી.
જી.એસ.એફ.સી.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડી.બી.શાહ, બી.બી.ભાયાણી તથા સિક્કા યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ ચિરાગ મહેતાએ ઉપસ્થિત કર્મચારીઓ તથા અધિકારીઓને નવનિર્માણ પામેલ એમોનિયા ટેન્ક અંગેની માહિતી પૂરી પાડેલ હતી. આ કાર્યક્રમમાં જી.એસ.એફ.સી લિમિટેડના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમ જી.એસ.એફ.સી. લિમિટેડની યાદીમાં જણાવાયું છે.