કલ્યાણપુરના આ વિસ્તારમાં આવી રીતે ચાલે છે કરોડોનું બોક્સાઇટ ચોરીનું કૌભાંડ..

ખાણ-ખનીજ વિભાગને પણ ખબર છે..?

કલ્યાણપુરના આ વિસ્તારમાં આવી રીતે ચાલે છે કરોડોનું બોક્સાઇટ ચોરીનું કૌભાંડ..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર વિસ્તારમાં જે રીતે બોકસાઇટ ચોરીનું કારસ્તાન ચાલી રહ્યું છે, તેમાં ક્યાંક ને ક્યાંક જાણીતી બોકસાઈટ કંપનીની પણ સંડોવણી હોય તટસ્થ તપાસ થાય તો મોટો ધડાકો થાય તેમ છે અને લીઝ વાળી જગ્યામાં બોકસાઈટ ન હોવા છતાં સરકારી ખરાબાવાળી બોકસાઇટ લાવીને લીઝવાળી જગ્યામાં નાખીને મોટા પાયે બોકસાઈટની ખનીજચોરી નું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાના સ્ફોટક વિગતો પ્રાપ્ત થઇ રહી છે,

મળતી વિગતો  મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલ્યાણપુર વિસ્તારમાં એક જાણીતી બોકસાઈટ કંપની લીઝ ધરાવે છે,પરંતુ અગાઉથી જ લીઝવાળી જગ્યામાંથી મોટા પાયે બોકસાઈટનું ખનન થયું હોવાથી આ જગ્યાએ હવે બોક્સાઇટ નથી.આથી સ્થાનિક રાજકીય નેતાઓના જોરે લીઝવાળી જગ્યામાં ગેરકાયદેસર રીતે સરકારી અને ખાનગી માલિકીની જગ્યામાંથી મોટા પ્રમાણમાં બોકસાઈટ ખોદીને લીઝવાળી જગ્યામાં નાખી દેવામાં આવે છે,એટલે બોકસાઈટનો જથ્થો કાયદેસરનો થઈ જાય.આ વાતની ખાણ-ખનીજ વિભાગને ફરિયાદ કરવા છતા શા માટે આંખ આડા કાન કરવામાં આવે છે તે સમજી શકાય તેવી વાત છે,

અત્રે ઉલ્લેખનીય છે કે કલ્યાણપુરના બાંકોડીના સપાણા વિસ્તારમાં બોકસાઈટ ચોરીનું આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને જાણીતી બોકસાઈટ કંપની દ્વારા અન્ય ખાનગી વ્યક્તિની લીઝ વેચાતી લઈને આવું કારસ્તાન કરતી હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે,ત્યારે સરકારનો તગડો પગાર લેતા અધિકારીઓ એક ખાનગી કંપનીના પ્યાદા બનીને સરકાર સાથે રીતસરની ગદ્દારી કરતા હોવાથી આ વિસ્તારમાં ભારે ટીકા થઈ રહી છે.