ડી.કો.બેંકની ભરતી પ્રકરણમાં ACBએ શરૂ કરી તપાસ

૬ વર્ષ જૂનું છે પ્રકરણ 

ડી.કો.બેંકની ભરતી પ્રકરણમાં ACBએ શરૂ કરી તપાસ

Mysamachar.in-જામનગર:

જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકમાં ૬ વર્ષ પહેલા કરવામાં આવેલ ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતીમા થયેલ ગેરરીતીનુ ભૂત ફરીથી ધૂણ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે ACBમા ફરિયાદ અરજી થતા હાલ તો સહકારી બેંકમાં ભાગદોડ મચી ગઇ છે,

જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકમાં વર્ષ ૨૦૧૨મા ક્લાર્ક ની ૬૦ અને પટાવાળાની ૩૦ જગ્યા માટે જાહેરાત આપવામાં આવી હતી અને નિયત લાયકાત નક્કી કરવામાં આવી હતી. ઉપરાંત કુલ ૯૦ જગ્યાને બદલે બેંકના સત્તાધીશો દ્વારા ૧૦૨ જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. જેમાં લાયકાત વગરના અરજદારોની પટ્ટાવાળા અને ક્લાર્ક ભરતી કરી લેવામાં આવતા જે તે સમયે ભારે હોબાળો મચી ગયો હતો અને ૧૭ જેટલા અન્યાયનો ભોગ બનેલ અરજદારોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ કરી હતી. જેમાં જામનગરના યુવરાજસિંહ સોઢા અને હરપાલસિંહ સોઢા નામના અરજદારો તમામ રીતે આ ભરતીમાં લાયક હોવા છતાં નોકરીથી વંચિત રહ્યા હતા,

જેથી જામનગર ડીસ્ટ્રીકટ બેંકમાં પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતીમાં લાખો રૂપિયાનું સેટીંગ કરીને આ કથિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ACBની વડી કચેરીએ ચોંકાવનારી ફરિયાદ અરજી કરતા જામનગર ACBને તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે, ત્યારે જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકનુ આ ભરતી પ્રકરણ ફરીથી ગાજતા સહકારીક્ષેત્રમાં હાલ તો સોંપો પડી ગયો છે.

શું છે આ ભરતી પ્રકરણ..

જામનગર ડીસ્ટ્રીકટ કોપરેટીવ બેંકની નવી શાખાઓને ધ્યાનમાં રાખીને ૩૯ કર્મચારીઓની જે તે સમયે ભરતી કરવાની થાય. પરંતુ તેની જગ્યાએ 102 કર્મચારી ભરતી કરાઇ હતી. આમ 63 કર્મચારીઓની વધુ ભરતી કરેલ છે. જેમાં ૧૨ ઉમેદવારો ૩૦ વર્ષ કરતા વધુ અને બે ઉમેદવારો ૧૮ વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવે છે. તેમજ બે ઉમેદવારો લાયકાત કરતા ઓછું ભણેલ છે, તેવા પુરાવા સાથે ACBમાં ફરિયાદ અરજી કરાઇ છે અને ભરતી થયેલ ઉમેદવારો પાસેથી મોટાપાયે આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. ત્યારે કરાયેલા આક્ષેપોમા કેટલું તથ્ય તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.