Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક હત્યાનો ભેદ માંડ ઉકેલાયો ત્યાં જ બીજી હત્યાની ઘટના સામે આવી છે, ખંભાળિયામાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારોમાં ગઈકાલે એક યુવાને પૈસાની બાબતમાં પોતાની પિતરાઈ બહેનની નિર્મમ હત્યા કર્યાનો બનાવ બહાર આવ્યો છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર રહેતા અને છૂટક મજૂરીકામ કરી અને પેટિયું રડતા મુળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ડેમ વિસ્તારના રહેવાસી એવા સુનીલ વિરસિંગભાઈ પાંડવી નામના 33 વર્ષના આદિવાસી યુવાન છેલ્લા ઘણા સમયથી જડેશ્વર ટેકરી વિસ્તારમાં ઝુંપડપટ્ટી બાંધીને તેમના પત્ની મીરા પાંડવી (ઉ. વ.30) તથા એક વર્ષીય માસુમ પુત્ર આકાશ સાથે રહેતા હતા.
આ યુવાનના પરિવાર સાથે મીરાબેનના પિતરાઈ ભાઈ દશરથ ગુલિયા નામના યુવાન પણ તેના પત્નિ ગીતાબેન સાથે રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. જડેશ્વર રોડ વિસ્તારમાં મીરાબેન સાથે તેનો પિતરાઈ ભાઈ દશરથ પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી કરતો હતો. તે દરમ્યાન ગાંઠીયા લેવા ગયેલા પિતા- પુત્ર સુનિલ અને આકાશ પરત ફરતા સુનિલનો સાળા દશરથએ પોતાની બહેન સાથે ઝઘડો કરી મીરાબેન ઉપર ગરમ પાણી નાખી દીધું હતું અને તેણે ઢીકાપાટુનો માર મારી, ગળું દબાવી તેના ઉપર બેઠો હતો. ગાઠીયા લઈને પરત આવેલા સુનીલને જોઇને દશરથ આ સ્થળેથી નાસી છુટયો હતો. જ્યારે મીરાબેન મૃત હાલતમાં આ સ્થળે પડયા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ સમગ્ર બનાવ ખંભાળીયા પોલીસે સુનિલભાઈ પાંડવીની ફરિયાદ પરથી દશરથ ગુલીયા સામે આઈ.પી.સી. કલમ 302 તથા 323 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઈન્સ. પી. એ. દેકાવાડીયાએ હાથ ધરી, આરોપી શખ્સને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાના આ બનાવના કારણે એક વર્ષનો માસૂમ બાળક માતા વિહોણો થઈ જતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.