જામનગરમાં “માનસ ક્ષમા” રામકથાનું નવદિવસીય આયોજન સંપન્ન..

લાખો લોકોએ કથા-પ્રસાદનો લીધો લાભ..

જામનગરમાં “માનસ ક્ષમા” રામકથાનું નવદિવસીય આયોજન સંપન્ન..

Mysamachar.in-જામનગર:

જામનગરમાં ચાલતી નવ દિવસીય માનસ ક્ષમા રામકથાના અંતિમ નવમા દિવસે મોરારીબાપુના મુખેથી કથા શ્રવણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.છોટી કાશી ગણાતા જામનગરમાં નવદિવસ સુધી રામનામમાં શ્રદ્ધાળુઓ તરબોળ થયા હતા. અને વરસાદના વિઘ્ન વચ્ચે પણ કથા આજે પૂર્ણ થઇ હતી, કથાના અંતિમ દિવસે મોરારીબાપુએ રામાયણની વાત કરતા જણાવ્યું કે, કોઈ બુદ્ધપુરુષ-મહાપુરુષથી આપણે જીવન તરી શકીએ. ભોજલરામબાપા અને અખા ભગતને યાદ કરી પક્ષીની બે જ્ઞાન અને વૈરાગ્યની પાંખ દ્વારા વૈરાગ્યમાં ઉડે છે. અખા ભગતના મતે પાંખોથી ઉડતા પંખીને ભજનની મહાપુરુષની ભક્તિ વગર ક્યાંક ભટકાશે તેવી માર્મિક વાત કરી હતી.

ઘરમાં બનેલ ભોજન ન ખાઈ તો એ ભોજનનું અપમાન છે.તેની જેમ આપણા મહાપુરુષોનો અનાદર કરવો એ અપમાન છે.તેવી વાત કરતા મોરારીબાપુએ ભોજન અને મહાપુરુષનો આદરભાવ રાખવા ટકોર કરી હતી.રાવણે હનુમાનજીને પશુ (વાનર) ગણ્યા એ વાતને લઈને તેને શિવનો અવતાર કહેવામાં આવ્યો તે વાતને મોરારીબાપુએ તાર્કિકરીતે લોકોને પદ સાથે સમજાવ્યું હતું. સુખ અને દુઃખ સાપેક્ષ છે. એક જ સિક્કાની બે બાજુ છે.તે વાત કરતા મોરારીબાપુએ જીવનમાં દુઃખ અને સુખ આવે તે વાતને રામાયણના પ્રસંગો સાથે વર્ણવી રામ, લક્ષમણ,જાનકીના ઉદાહરણ આપ્યા હતા. અને ભગવાન રામની અયોધ્યા વનવાસ જતી વેળાએ અયોધ્યાવાસીઓની વેદનાની વાત કરી કેવટનો પ્રસંગ કહ્યો હતો.


ચિત્રકૂટમાં પ્રસન્નતા છે. જ્યાં પ્રભુ રામ વનવાસ દરમ્યાન 13 વર્ષ રહ્યા હતા.તે પ્રસંગે રામ અને ભરતના મિલન વખતે રામની ત્યાગવૃત્તિની વાત કરતા મહાપુરુષ, સાધુ પુરુષની ત્યાગ કરવાની વાત મોરારીબાપુએ કહી હતી. સૂરજનો સ્વભાવ ઉગવો એ જ છે. બીજાને ઝાખા કરવા નથી સૂરજ ઉગતો તેમ કહી મોરારીબાપુએ લોકોને સુરજમાંથી પ્રેરણા લેવા માર્મિક ટકોર કરી હતી. અસ્તિત્વએ કૃપા બહુ કરી ત્રણ દિવસ વરસાદ હોવા છતાં કથામાં ખલેલ ન આવ્યો. જામનગરના મહાપુરૂષોની ધરતી છે. ત્યાં ખલેલ આવે જ નહીં.કથાના અંતે મોરારીબાપુએ રામેશ્વર ભગવાનના સેતુ બંધના પ્રસંગને લઈને લોકોને મોબાઇલની લાઈટો વડે કથામાં આરતી કરાવી હતી. મોરારીબાપુએ ચાણક્ય નિતીના ક્ષમા અંગેના "કોકિલા નામ, સ્વરોરૂપમ, સ્ત્રીનામ રૂપમ,પતિવ્રતમ, વિદ્યારૂપમ, વિણાનામ" શ્લોકનું ગાન કરાવ્યું હતું.અને ક્ષમા અંગે નિરૂપણ કરતા તેના પરિવારના નામો જણાવ્યા હતા.ભીખમાં મળે એવી ક્ષમા નથી જોઈતી. બોલ્યા હોય અને તેને વ્યાસપીઠ પાસે માંગવી હોય,તેને વૈદિક પરંપરા પાસે માફી માંગવી જોઈએ.

હસ કે બુલાયા કરો, હમારે ઘર આયા કરો તેમ કહી મોરારીબાપુએ કથાના અંતે તમામનો સત્કાર કરવાની વાત કહી તલગાજરડા આવવાનું આમંત્રણ આપ્યું હતું. અને કોઈએ પ્રેમ ન આપ્યો હોય એવો પ્રેમ આ બાવો (મોરારીબાપુ) આપશે તેમ કહ્યું હતું. ક્ષમા પદાર્થથી ભરેલું મારુ ગ્રન્થ છે.તેમ કહી મોરારીબાપુએ ક્ષમાની બે ચોપાઈઓનું શ્રોતાઓને રટણ કરાવ્યું હતું. આ પૂર્વે યજમાન પરિવારના જેન્તીભાઈ ચાંદ્રાને યાદ કરી કથામાં મજા બહુ આવી તેમ કહી ઉપસ્થિત તમામ કથા શ્રાવકોને બધું બરોબર છે તેમ પૂછતાં હોંકારો લઈને સૌને મોજ કરવી હતી. અને "હરયે નમઃ"બોલાવી પિતૃમાસના બીજા દિવસે તમામ દેવતાઓ અને પરમ તત્વો અને ઋષિ મુનિઓ અને પિતૃઓના ચરણોમાં આ રામકથા ક્ષમાની કથા અર્પણ કરી હતી અને અચ્યુતમ કેશવમ શ્લોકોનું સંગીત સાથે ગાન કરી હનુમાનજીને વિદાય આપી કથાને વિરામ આપ્યો હતો.


નવ દિવસીય રામકથા દરમ્યાન લાખોની સંખ્યામાં લોકોએ મોરારીબાપુની વાણીમાં ક્ષમા અને રામ કથા અંગે શ્રવણ કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. કથા દરમ્યાન અનેક સ્વંય સેવકોની વિવિધ ટીમો દ્વારા બહારગામથી આવનાર રામભક્તો માટે ઉતારા થી માંડીને કથા શ્રવણ, ભોજન-પ્રસાદની વ્યવસ્થામાં હનુમાનજીની સેનાની માફક સેવાઓ આપી હતી.અને સમગ્ર કથા સુચારુરીતે સંપન્ન થઈ હતી