જામનગર ડીસ્ટ્રીક બેન્કની જામજોધપુર શાખામા ઉચાપતનો ભોગ બનનાર અરજદારોની વ્યથા...

બે વર્ષ પૂર્વેનો મામલો...

જામનગર ડીસ્ટ્રીક બેન્કની જામજોધપુર શાખામા ઉચાપતનો ભોગ બનનાર અરજદારોની વ્યથા...

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લા સહકારી બેંકની જામજોધપુર તાલુકાની જામજોધપુર શાખામાં વર્ષ ૨૦૧૭ માં બેંકના અમુક કર્મચારીઓ દ્વારા ૧૩૪ જેટલા ખાતેદારોના અંદાજે ૫ કરોડથી વધુ રકમની ખાતેદારોના ખાતામા એન્ટ્રી ન કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.વારંવાર મુખ્યમંત્રી સુધી આ બાબતે લેખિત રજુઆતો કરવા છતા નિવેડો ન આવતા હવે આ તમામ ભોગ બનનાર લોકો મુખ્યમંત્રી કાર્યાલયે ધામા નાખવાની ચિમકી ઉચ્ચારી રહયા છે.

mysamachar.in ની મુલાકાતે આવેલા અમુક ભોગ બનનાર લોકોએ હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે વર્ષ ૨૦૧૭ દરમિયાન જામનગર જિલ્લા સહકારી બેંક હેઠળ આવતી જામજોધપુર સહકારી બેન્કના અમુક કર્મચારીઓ દ્વારા ખાતેદારો દ્વારા જમા કરવામાં આવેલા લાખો રુપિયાની ખોટી રસીદો આપી અંદાજે ૧૩૪ થી પણ વધુ ખાતેદારોના રૂપિયા ૫ કરોડથી પણ વધુનું કૌભાંડ આચરી પલાયન થઈ ચૂક્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કૌભાંડ  આચરનારા કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

જોકે કરોડોનું કૌભાંડ આચરનાર કર્મચારીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાને બે વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં પૈસા પરત ના મળતા આખરે તમામ ખાતેદારો રોષે ભરાયા છે,અને વારંવાર બેન્કની મુખ્ય શાખા અને ગાંધીનગર સુધી ધક્કાઓ ખાઈ ખાઈને પરેશાન થઇ ચુક્યા છે,૧૩૪ લોકોની આ સમસ્યાને લઈને વારંવાર જિલ્લા સહકારી બેન્ક ખાતે વિવિધ રજૂઆતો તેમજ ખાતેદારો દ્વારા ધામા પણ નાખવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તમામ સમસ્યાને લઈને અવારનવાર ભોગ બનનારા લોકો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે, ભોગબનનાર ખાતેદારો થાકી ચૂક્યા છે,આગામી સમયમાં મુખ્યમંત્રીના કાર્યાલયમા ધામા નાખવાની  ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે,અરજદારો તાજેતરમાં જ રાજ્ય રજીસ્ટ્રાર અને જામનગર રજીસ્ટ્રાર લોખંડે ને મળીને પણ આ મામલે યોગ્ય થવા માટે રજૂઆત કરી હતી.