હવે તો ગાંધીજીની શાળામાંથી પણ મળ્યો દારૂનો મોટો જથ્થો !

હે રામ !

હવે તો ગાંધીજીની શાળામાંથી પણ મળ્યો દારૂનો મોટો જથ્થો !

Mysamachar.in-રાજકોટઃ

વિશ્વભરમાં ગાંધીજીને કારણે ગુજરાતે નામના મેળવી છે. ખાસ કરીને દેશમાં ગાંધીજી જ્યાં અભ્યાસ કરી જીવનના મૂલ્યો અને દુષણોથી દૂર રહેવાની લોકોને પ્રેરણા આપી હતી, એવા રાજકોટમાં પણ હવે દારૂનું દુષણ પ્રવેસી ગયું છે. એટલું જ નહીં પરંતુ આ દારૂ બીજે ક્યાંયથી નહીં પરંતુ ખુદ ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાંથી મળી આવ્યો છે. આજીવન લોકોને નશા અને હિંસાથી દૂર રહેવાની પ્રેરણા આપનારા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ઐતિહાસિક રાષ્ટ્રિયશાળાના કેમ્પસમાં આવેલા ક્વાટર્સમાંથી રૂ.5.18 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો અને બૂટલેગર ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીજીના મૂલ્યોની જાહેરમાં મોટી મોટી વાતો કરનારા સત્તાધીશો અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે.

જ્યાંથી દારૂ મળ્યો છે એ ક્વાર્ટરમાં સંદીપ દક્ષિણી નામનો વ્યક્તિ રહે છે. તેના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ઘરમાં તાળું હતુ જે પોલીસે તોડી તપાસ હાથ ધરી તો જુદી જુદી બ્રાન્ડના 473 બોટલ દારૂ, 260 ચપ્લા અને 16 ટીન બિયરન જથ્થો મળી કુલ રૂપિયા 5,18,975 કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સંદીપના દાદા ગાંધીવાદી હતા અને તેમને રાષ્ટ્રિયશાળામાં ક્વાટર્સ મળ્યું હતું, સંદીપ અગાઉ કપડાં અને મોબાઇલનો વેપાર કરતો હતો પરંતુ કેટલાક સમયથી ગોરખધંધે ચડી ગયો હતો. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો એતો સંદીપ હાથ આવ્યા બાદ સ્પષ્ટ થશે. બીજી બાજુ રાષ્ટ્રીયશાળાના સંચાલકોનું કહેવું છે કે રાષ્ટ્રીય શાળામાં અનેક લોકો દબાણ કરીને રહે છે, અહીં અવાર નવાર દારૂ પીને ધમાલ કરવામાં આવે છે તો કેમ્પસમાં દારૂ વેચાતો હોવા અંગે અમોએ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસે પાંચેક દિવસ તપાસ કરી હતી બાદ ફરી અહીં માથાભારે તત્વોએ અડ્ડો બનાવી લીધો હતો.