જો દિવાળીમાં જવાના છો બહારગામ તો રાખજો આ તકેદારી..

સાવચેતી છે જરૂરી.... 

જો દિવાળીમાં જવાના છો બહારગામ તો રાખજો આ તકેદારી..

Mysamachar.in-જામનગર:

દિવાળીના તહેવારોમાં કેટલાય લોકો પરિવારો સાથે દિવાળીની રજાઓ માનવા માટે રાજ્યમાં કે રાજ્યબહાર જતા હોય છે. અને આ પરિવારોમાં કેટલાક પરિવારો તો એવા પણ હોય છે જે દિવસો સુધી બહારગામ પોતાનું ઘર રેઢું મુકીને માત્ર એકાદ લોકને સહારે જતા રહેતા હોય છે, અને જેનો સીધો જ લાભ તસ્કરો લઈને આવા બંધ મકાનોને ટાર્ગેટ કરી અને મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે, જેથી પોલીસનું કામ નવા વર્ષે જ વધી જાય છે, સાથે જ જે-તે મકાનમાલિક ને પોતાની રોકડ કે દાગીના ગુમાવવાનો વારો આવે છે, ત્યારે જામનગર પોલીસ વિભાગ દ્વારા જે લોકો દિવાળીના વેકેશનમાં બહારગામ જાય છે, તેવા ઘરોમાં ચોરની ઘટનાઓના બને અને ઘર સુરક્ષિત રહે તે માટે કેટલાક સુચનો જાહેર કરવામાં આવ્યા છે, જે આ મુજબ છે.

-દિવાળીના તહેવારમાં/ વેકેશનમાં બહાર ગામ જવાનું હોય અને મકાન બંધ રાખવાના હોય તો જે બાબતે લેખીતમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જેથી કરી રાત્રીના સમયે યોગ્ય બંદોબસ્ત/ પેટ્રોલીંગ રાખી શકાય.
-બંધ મકાનમાં કોઈ કીંમતી દાગીના, ચીજવસ્તુ, રોકડ રકમ ઘરમાં નહીં રાખવી તેને સલામત જગ્યાએ અથવા તો બેન્કમાં લોકરમાં મૂકવી અથવા સગા-સંબંધીના ઘરે રાખવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી.
-શક્ય હોય તો રાત્રીના સમયે ચોકીદાર રાખવો સગા-સંબંધીઓને પણ જાણ કરવી અને ચોકીદારને પોલીસ સ્ટેશનના નંબર તથા કંટ્રોલ રૂમ નંબર આપવા. (કંટ્રોલરૂમ નંબર 0288-2550200, 100).


-મકાન બંધ રાખવાનું હોય તો મકાનની બહાર તથા અંદરના ભાગે એક લાઈટ ચાલુ રાખવી. 
-શક્ય હોય તો CCTV  કેમેરા રાખવા અને જો હોય તો તે ચાલુ હાલતમાં છે કે કેમ તે ચકાસવા અને તે કેમેરા એવી રીતે ગોઠવવા કે બહારનો ફળીયાનો ભાગ તથા રોડ નો ભાગ કવર થાય તે રીતે રાખવા.
-સોસાયટીમાં વેકેશન દરમિયાન હાજર રહેલ વ્યક્તિઓ કોઈ અજાણ વ્યક્તિની અવરજવર અથવા તો શંકાસ્પદ વર્તણૂક દેખાય તો પોલીસને જાણ કરવી. 
-દિવસ દરમિયાન સોસાયટીમાં આવતા અજાણ્યા સેલ્સમેન/ફેરિયાઓની પુરી ચકાસણી કરી તેની ઓળખ મેળવી બાદમાં સોસાયટી માં પ્રવેશ આપવો.
-આપ જેટલો સમય બહારગામ જવાના હોય તેટલો સમય છાપાવાળા છાપા ન નાખે તે બાબતે સૂચના આપવી.